“મહારાજ, મારા બાપુ મરવાના ઉપાયમાં છે.” જીવાખાચરનાં દીકરી અમુલાબાઈએ મહારાજને કહ્યું.

     “કેમ ? શું થયું ?” મહારાજે આશ્ચર્યવત્ પૂછયું.

     “દયાળુ, ઓગણોતેરો કાળ છે, હવે ઘરમાં ખાવા દાણા રહ્યા નથી ને મહેમાનો બહુ આવે છે તેથી મરવાનો ઉપાય કરે છે.” અમુલાબાઈએ રડતાં રડતાં કહ્યું.

     “દીકરી તું ચિંતા ન કર, અમે તારા બાપુને મરવા નહિ દઈએ.”

     એમ કહી મહારાજે તત્કાળ માણસ મોકલી ઝીંઝાવદરથી પચાસ મણ બાજરાના બે ગાડાં મગાવ્યાં અને ગાડાં લઈ જીવાખાચરની ડેલીએ ગયા.

     “જીવાબાપુ, ખાવા અન્ન ન હોય તો મરવાના ઉપાય થોડા કરાય ? અમો છીએ જ ને...! માટે અમારા ભક્તે કદી ગમે તેવું વિઘ્ન આવે તોય આપઘાત ન કરવો.” એમ કહી ઘરમાં કોઠી ઉઘાડી બાજરો નખાવ્યો ને કોઠીનું ઢાંકણું બંધ કરી કહ્યું, “આ ઢાંકણું ઉઘાડશો નહિ ને સાણેથી (નીચેથી) બાજરો કાઢી કાઢને જમજો અને મહેમાનોને જમાડજો તો ખૂટશે નહીં.” આટલી ભલામણ કરી દાદાખાચરના દરબારમાં પધાર્યા.

     જીવાખાચર તો મહારાજને દાદાખાચરના પક્ષકાર જાણતા તેથી દાદા ઉપર ઘણી ઈર્ષ્યા રાખતા પણ મહારાજ તો બહુ દયાળુ છે, તેથી પોતાના ભક્તોના સર્વે ગુન્હા માફ કરી ભક્તોની રક્ષા કરે છે.