“હિતકારી છે સહુના સ્નેહી રે, જાણો પર ઉપકારી એહી રે”
“આપે જ્ઞાનદાન જનને રે, કરી વાલપના વચનને રે;
હિતકારી છે સહુના સ્નેહી રે, જાણો પર ઉપકારી એહી રે.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જીવનમાં નિષ્કુળાનંદ સ્વામીની આ ઉપરોક્ત પંક્તિ ચરિતાર્થ થતી જોવા મળે છે.
ગુરુવર્ય પ.પૂ. બાપજી એટલે જ અવિરત કથાવાર્તાના આગ્રહી. શ્રવણ કરનારા શ્રોતાજનો થાકી જાય પણ અવિરત શ્રીજીમહારાજનો મહિમા ગાવામાં પોતાના મુખારવિંદ પર જરાય થાકનો અહેસાસ ન જોવા મળે.
તા. 16-10-2015 ને શુક્રવારના રોજ અમેરિકાથી હરિભક્તો લાભ લેવા પધાર્યા હતા.
ગુરુવર્ય પ.પૂ. બાપજીને સંસ્થાના વડીલ સંતે ફોન દ્વારા જાણ કરી :
“હલ્લો, જય સ્વામિનારાયણ બાપજી, રાજી રહેજો…”
“જય સ્વામિનારાયણ...”
“બાપજી, અમેરિકાથી હરિભક્તો આવ્યા છે આપનો લાભ લેવા. તો બાપજી આપને અનુકૂળ આવશે ? 2-3 કલાક બોલવાનું ફાવશે ને ?”
તરત જ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું કે, “ફાવશે, અત્યારે તો કોઈ જ તકલીફ નથી. એ વખતે હતી. અને નહિ ફાવે તોય કથાવાર્તા ગોઠવો એટલે બધુંય ફાવી જશે. તમે તે હરિભક્તોને મોકલજો. હું લાભ આપીશ.”
આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવમાં સ્વાસ્થ્ય સારું ન હોવા છતાંય હરિભક્તોને કથાવાર્તાએ કરીને ખૂબ સુખિયા ને બળિયા કર્યા.