સ્વામી આ બધું તારા દ્વારા થશે
અવરભાવમાં બાયપાસ સર્જરી બાદ ક્રિષ્ના હૉસ્પિટલના રૂમ નં. ૧૨૨માં ગુરુદેવ પ.પૂ. બાપજીને રાખવામાં આવ્યા હતા. તા. ૩-૧૨-૨૦૦૭ના રોજ રાત્રે ૮:૦૫ વાગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા સાથે રહેલા સંતો અને હરિભક્તો રૂમમાં બેઠા બેઠા કીર્તનભક્તિ કરી રહ્યા હતા.
આ સમયે ગુરુદેવ પ.પૂ. બાપજી ખૂબ આનંદમાં હતા. તેઓ આડા પડખે રહી એમની સામેની દીવાલ પર રહેલ શ્રીજીમહારાજ ને બાપાશ્રીની પ્રતિમામૂર્તિ સામે જોઈ મંદ મંદ હસતાં હસતાં, હસ્તના લટકા કરી મંદ મંદ અવાજે એમની સાથે વાતો કરતા હતા.
ગુરુદેવ પ.પૂ. બાપજીની આ અદ્ભુત ચેષ્ટા જોઈ, બાજુમાં બિરાજતા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પરભાવપૂર્વક ગુરુદેવ પ.પૂ. બાપજીને પૂછ્યું, “દયાળુ, મહારાજને આપ શું કહો છો ?”
ત્યાં તો ગુરુદેવ પ.પૂ. બાપજીએ કશું બોલ્યા વિના પડખું ફેરવી, કીર્તન ગાઈ રહેલા સંતો-ભક્તોને જોઈ કહ્યું, “તમે બધા ઓરા આવો... હા, ઓરા આવો... પછી કીર્તનો બોલજો.” બધા નજીક આવ્યા પછી પ્રસન્ન મુદ્રાએ ગુરુદેવ પ.પૂ. બાપજી બોલ્યા :
“સાંભળો, અમે મહારાજને બાપાને કહેતા હતા કે, ‘મહારાજ-બાપા સમય બહુ પાકી ગયો છે... સમય બહુ પાકી ગયો છે... આપની સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનનો સમય પાકી ગયો છે...’ આમ, અમે મહારાજને ઠપકો આપતા હતા...”
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ. બાપજીની સંકલ્પસંહિતા સુણી હસતાં હસતાં બોલ્યા, “બાપજી, મહારાજે પછી શું કહ્યું ?”
“જોજો તો ખરા... જોજો તો ખરા... ૨૦૦-૫૦૦ વીઘા, એકરનાં મોટાં મોટાં સંકુલો થશે...” આમ, ગુરુદેવ પ.પૂ. બાપજી બોલતાં બોલતાં અચાનક સ્તબ્ધ થઈ ગયા.
“બાપજી, પછી બીજું શું શું થશે ?” એવું જાણવા માટે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ દાસભાવે ગુરુદેવ પ.પૂ. બાપજીને પૂછ્યું.
ગુરુદેવ પ.પૂ. બાપજી એ વખતે એક જ શબ્દ બોલ્યા :
“સ્વામી, આ બધું તારા દ્વારા થશે... મહારાજ તને નિમિત્ત કરશે... અમારે વાંહે હવે કોઈ ચિંતા નથી. અમને તેં કોઈ ચિંતા રહેવા દીધી નથી. તેથી મહારાજ - બાપા પણ તને કોઈ ચિંતા નહિ રહેવા દે...”
આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીએ મહારાજના ભવ્ય ને દિવ્ય સંકલ્પો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી દ્વારા પૂરા કરશે એવી અણનમ આશીર્વર્ષા સમગ્ર એસ.એમ.વી.એસ. સમાજ પર વરસાવી છે.