રાઠોડ ધાધલ તથા રાણદેબાનાં કોડ પૂરા કર્યા
રાઠોડ ધાધલના ઘરના રાણદેબા. રાણદેબાને મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણમાં અપાર હેત હતું. એક વખત શ્રીજીમહારાજ રાઠોડ ધાધલને ઘેર પધાર્યા. તે વખતે તેમનાં પત્ની રાણદેબા વલોણું કરતાં હતાં. પરંતુ તેઓ નેતરાં ખેંચી ખેંચીને થાકી ગયાં હતાં અને કપાળે પરસેવો વળ્યો હતો. છતાં વલોણું પૂરું થયું નહીં. એવામાં શ્રીજીમહારાજ ત્યાં પધાર્યા. થાકેલાં રાણદેબાને જોતાં શ્રીજીમહારાજે કહ્યું : “રાણદેબા, થાકી ગયાં છો કે શું ?”
“હા, મહારાજ ! આજ તો કોણ જાણે કેમ પણ માખણ નીતરતું જ નથી !” એટલે શ્રીજીમહારાજે તેમને માખણ નીતરાવવા નેતરાનો બીજો છેડો પોતાના હાથમાં લીધો અને રાણદેબાની સાથે નેતરાં તાણવા લાગ્યા.
ત્યારે રાણદેબામાં નવું જોમ આવ્યું. તે શ્રીજીમહારાજની મૂર્તિનાં દર્શન કરતાં જાય અને નેતરાં તાણતાં જાય. તેમના મનમાં અનેક વિચારો આવતા હતા. અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ મારા મનોરથ પૂરા કરવા આજે મને લાડ લડાવે છે ! અહો કૃપા... મહારાજે મને ન્યાલ કરી...
પોતા ઉપર થયેલી શ્રીજીમહારાજની અનહદ કૃપાને લીધે તેમની આંખમાંથી હર્ષાશ્રુ સરવાં લાગ્યાં. તે જોઈ શ્રીજીમહારાજ બોલ્યા : “તમારું શરીર તો થાક્યું પણ આંખો પણ થાકી લાગે છે. તેમાંથી પરસેવાનાં બિંદુઓ પડે છે.”
આ સાંભળી રાણદેબા હસી પડતાં બોલ્યા : “જગતમાં બધા કહે છે ભગવાને બધાને બુદ્ધિ આપી છે; પણ મને તો ભગવાનમાં બુદ્ધિનો છાંટોય દેખાતો નથી. બળ્યું, આંખમાં તે કાંઈ પરસેવો આવતો હશે ?”
શ્રીજીમહારાજે ગોળી તરફ નીચું જોયું અને કહ્યું : “તો જુઓ, તમને આંખમાં પરસેવો વળ્યો છે એટલે દેખાતું નથી. માખણ બહાર આવવા માંડ્યું !”
રાણદેબાએ માખણ જોઈ ક્હ્યું, “મહારાજ ! વલોણું થઈ રહ્યું. હવે આપ નેતરાં છોડી દ્યો. પણ મહારાજ ! આપની મૂર્તિમાં અખંડ જોડાયેલા રહેવાય એવું કરજો. આજનું આ સુખ કેમે કરીને ભુલાશે નહીં.”
પછી તેમણે વાટકામાં માખણ કાઢ્યું, તેમાં સાકર ભેળવી શ્રીજીમહારાજને વાટકો આપ્યો. શ્રીજીમહારાજે માખણ જમાડ્યું. વાડકો નીચે મૂક્યો. રાણદેબાએ તે લઈ લીધો. પછી તેઓ શ્રીજીમહારાજનો પ્રસાદી જમાડેલ વાટકામાંથી પ્રસાદી જમવા લાગ્યાં. એેટલામાં રાઠોડ ધાધલ આવ્યા. તેણે કહ્યું : “હં, હં, ધાધલાણી ! આમ એકલાં પરસાદી ન જમાડાય.” રાણદેબા હસ્યાં. તેમણે વાડકો રાઠોડ ધાધલને આપી દીધો.
ત્યારબાદ શ્રીજીમહારાજ જીવાખાચરના દરબારમાં પધાર્યા. અહીં સભા ભરાઈને બેઠી હતી. સૌ શ્રીજીમહારાજની રાહ જોઈ રહ્યા હતા. શ્રીજીમહારાજ પધાર્યા એટલે સૌ ઊભા થયા. સુરાખાચરે જોયું કે શ્રીજીમહારાજનાં વસ્ત્રો છાશ ને માખણવાળાં થયાં હતા. તેમણે પૂછ્યું : “મહારાજ, આપનાં વસ્ત્રોનું શું થયું ? મહારાજ, ક્યાં રમી આવ્યા ?”
શ્રીજીમહારાજ પણ પોતાનાં વસ્ત્રો જોઈ હસ્યા. ત્યારે સુરાખાચરે કહ્યું : “મહારાજ ! તમારાં દિવ્ય ચરિત્ર છાનાં તો નહિ રહે હો !”
ત્યારે સૌ હસી પડ્યા. મહારાજ પણ હસતાં હસતાં બોલ્યા : “અમારા પ્રેમીભક્તોના કોડ પૂર્ણ કરવા માટે તો અમે આવ્યા છીએ.”