દુઃખી સંતને મા સરીખો પ્રેમ આપ્યો
ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે લાગણીનો સમુંદર. એમાંય નવા અને નાના સંતોને તો ગુરુદેવ પ.પૂ. બાપજી ખૂબ જ સાચવે. તેઓ દુખિયા ન થાય, ઓશિયાળા ન થાય તેની ખૂબ જ કાળજી રાખે.
એક વખત એક નવા સંત ખૂબ દુ:ખી થઈ ગયેલા. દુ:ખનું કારણ એ હતું કે પોતે બહુ ભણેલા નહીં. વળી, બહુ આપસૂઝ, હોશિયારી પણ નહીં. સાધુ થયે બે વર્ષ થયાં છતાં રોટલી બનાવતા ન ફાવે, ન તો સારી કથા કરતા ફાવે.
અંતરમાં મૂંઝાયા કરતા કે, ‘હું જીવનમાં શું કરીશ ?’ એમના મુખારવિંદના ભાવો પારખી ગુરુદેવ પ.પૂ. બાપજીએ એમને આસને મળવા બોલાવ્યા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ પ્રેમથી પૂછ્યું કે, “કેમ સ્વામીજી, તમે કાંઈ દુ:ખી લાગો છો ?” આટલું સાંભળતાં પેલા સંત ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા.
પોતાની મનોવ્યથા ગુરુદેવ પ.પૂ. બાપજીને કીધી. ગુરુદેવ પ.પૂ. બાપજીએ પોતાના દિવ્ય ગાતડિયાથી પેલા સંતનાં આંસુ લૂછ્યાં.
તેમને છાતીએ ચાંપી ખૂબ વ્હાલ આપ્યું. તેમને કહ્યું કે, “તમે કાંઈ ચિંતા ન કરશો. ભલે તમને બીજું કાંઈ નથી આવડતું પરંતુ તમારાં દર્શને અનંતના મોક્ષ થશે. માટે ચિંતા ન કરશો. મહારાજ બધું સારું કરી દેશે.” ગુરુદેવ પ.પૂ. બાપજીના નિર્મળ સ્નેહે પેલા સંતનું દુ:ખ ક્યાંય વિસારી દીધું.
આમ, ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે સ્નેહનો શિખર સાગર.