સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. પૂર્ણસ્વામી. જેઓ ગુરુદેવ પ.પૂ. બાપજીની સંગે રહી, ગુરુદેવ પ.પૂ. બાપજીની ખૂબ હેતલ સ્મૃતિઓ પામ્યા છે. તેઓ ગુરુદેવ પ.પૂ. બાપજી સંગેની દિવ્યાનુભૂતિ વર્ણવતા જણાવે છે,

“ગુરુદેવ પ.પૂ. બાપજી

જેમની સ્મૃતિ, જેમની સ્નેહભરી યાદો આજે પણ હૃદયના બંધ છોડાવી દે છે.

૧૮ વર્ષના દીર્ઘકાળમાં અનુભવેલ એ દિવ્યતાનો અહેસાસ, અનેકાનેક સંભારણાં જૂજ શબ્દોમાં કેમ સમાવવાં એ મૂંઝવણ છે.

શું કરું ? ક્યાંથી શરૂ કરું ? એ દિવ્યપુરુષની વિશિષ્ટતા અને અપાર પ્રેમનું વર્ણન ક્યાંથી પ્રારંભું ?

‘લોટી... લોટી...’ કહીને સંબોધતો એ ભીનો અવાજ,

મને અનેક વખત સમાવેલા એ આજાનબાહુ,

મારા મસ્તકને પાવન કરતું એ પોચું ઉદર,

કેમેય ન મળે એવી દુર્લભ એ ચરણસેવા !

આહાહા ! કેવું એ દિવ્યપુરુષનું અદકેરું વ્યક્તિત્વ !!

એમાંય અમુક પ્રસંગો તો !

ના... ના... હજુય વિશ્વાસ નથી આવતો.

વાસણામાં સ્વયં ભાખરીનો લોટ બાંધી મને ભાખરી શીખવનાર અને સુરતમાં કોબીનું શાક શીખવનાર શું ખરેખર ગુરુદેવ પ.પૂ. બાપજી જ હતા !

મારા પ્રારંભકાળે વચનામૃત વાંચતા સૂતેલા મને વારંવાર જગાડનાર શું ખરેખર ગુરુદેવ પ.પૂ. બાપજી જ છે !

વાસણા મંદિરમાં સામે બેસાડી ધ્યાનની રીત શીખવનાર શું ખરેખર ગુરુદેવ પ.પૂ. બાપજી હતા ?

મા બાળકની આંગળી પકડે તેમ મને આંગળી પકડી ઠાકોરજીની સેવા શીખવનાર શું ખરેખર ગુરુદેવ પ.પૂ. બાપજી હતા !

રાત્રે ૩ વાગ્યે ઊઠી ઊઠીને મને મહારાજના મહિમાથી ભરી દઈ વચનામૃત શીખવનાર શું ખરેખર ગુરુદેવ પ.પૂ. બાપજી જ હતા !

મંદિરમાં રાત્રે તાળાં મારવાથી માંડીને સાધુતા દૃઢ કરાવી સર્વે અંગે ઘડનાર શું ખરેખર ગુરુદેવ પ.પૂ. બાપજી જ હતા !

ના, બિલકુલ નહિ; એ ગુરુદેવ પ.પૂ. બાપજી નહોતા.

મારાં એ આભાસનાં અંધારાં તોડાવ્યાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ.

ગુરુદેવ પ.પૂ. બાપજી તો કેવળ દેખાવામાત્ર હતા. એ તો હતા શ્રીહરિનો સંકલ્પ.

એ પરભાવનું નિરાળું સ્વરૂપ, નિર્લેપ સ્વરૂપ ! એમણે મને નિકટ રાખ્યો. કેવી કૃપા ! કેટલી અનહદ કરુણા !

હે બાપજી ! હજુય આપની બહુ યાદ આવે છે. નથી વિસરાતી એ અદ્વિતીય પળો. કદી સ્વપ્નેય નહોતું વિચાર્યું કે આપ અવરભાવમાં અમને આટલા જલદી અળગા કરશો. આંખના પલકારામાં જાણે કેટલુંય બની ગયું છતાં હે બાપજી, આપની બહુ મોટી કૃપા તો એ છે કે આપે અમને આપની પ્રતિકૃતિ સમા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી આપ્યા.”