તા. ૧૮-૩-૧૩ એકાદશીનો દિવસ હતો.

સર્વે સમર્પિત મુક્તોએ મહારાજને રાજી કરવા આજે નકોરડી એકાદશી કરી હતી. આ દિવસે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એકાંતમાં હોવા છતાં, સર્વે મુક્તોને દર્શન આપવા સંત શયન હૉલમાં પધાર્યા. સર્વે મુક્તોએ વ્યક્તિગત નિકટ દર્શનનો લાભ લીધો.

ત્યારબાદ એક સમર્પિત મુક્ત બોલ્યા, “દયાળુ, અમે સૌ મુક્તોએ ગુરુદેવ પ.પૂ. બાપજીના સ્વાસ્થ્ય માટે ૮૦ દંડવત, ૮૦ પ્રદક્ષિણા, ૮૦ કલાકનું ધ્યાન એવા રાજીપાનાં સાધનો કરવાના નિયમ લીધા છે.”

“કેમ ૮૦ જ ?” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આશ્ચર્યથી પૂછ્યું.

“દયાળુ, ગુરુદેવ પ.પૂ. બાપજીનો અવરભાવમાં ૮૦મો પ્રાગટ્યોત્સવ ઊજવાશે એટલે.”

“મુક્તો, અવરભાવમાં ૮૦ વર્ષ થયાં હોં; પરભાવમાં નહીં. તેમને વિષે કદી દેહધારીના જેવા ભાવો ન પરઠવા. અવરભાવમાં મોટાને રાજી કરવા સાધનો કરવાં પરંતુ મોટાપુરુષનો પરભાવ ક્યારેય ભુલાવો ન જોઈએ.”

અહો ! પરભાવનું સ્વરૂપ જ પરભાવના સ્વરૂપની દૃઢતા કરાવી શકે ને !!