તા. ૪-૧૧-૧૩નો દિવસ એટલે બેસતુંવર્ષ ! રાજકોટ ખાતે આશીર્વાદ સભાનો લાભ આપી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સાંજના સમયે સ્વામિનારાયણ ધામ ખાતે પરત પધાર્યા. પ્રાર્થના મંદિરે બિરાજી થોડી વાર સૌ સંતો-હરિભક્તો, વિદ્યાર્થીઓને લાભ આપ્યો. આખા દિવસના વિચરણના કારણે તેઓના મુખારવિંદ પર થાકની રેખાઓ ઊપસી આવી હતી. પૂ. સેવક સંત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી માટે જળ લઈ આવ્યા.

માતૃહૃદયી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને આ રુચ્યું નહીં. આથી મસ્તક હલાવી ના પાડતા કહ્યું,

“આ બધા મુક્તોને મૂકી અમારા એકલાથી જળ ન ધરાવાય.”

“દયાળુ, આપ તો વિચરણમાંથી થાકીને પધાર્યા છો માટે ધરાવી લ્યો.” સર્વે મુક્તોએ પ્રાર્થના કરી.

“ભલે જેવી તમારા બધાની આજ્ઞા.” રમૂજ કરતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બોલ્યા.

જળ ધરાવતા પહેલાં સખેદ તેઓ પાછા બોલી ઊઠ્યા, “રાજી રહેજો, તમને બધાને મૂકીને જળ ધરાવીએ છીએ.” કહેતાં મહારાજની મૂર્તિ તથા સર્વે સમાજ તરફ તુંબડું ધરી પછી જળ ધરાવ્યું.

આમ, સ્વસુખની જેમના જીવનમાં કોઈ પરવાહ જ નથી એવા દિવ્યપુરુષના ચરણોમાં શત શત વંદન !