આપણાથી કોઈને તકલીફ ના અપાય
“સેવક ફોન કરીને કોઈ હરિભક્તની ગાડી મગાવી લે છે. ગાડી હમણાં જ આવી જશે. ત્યાં સુધી આપ ગાડીમાં જ બિરાજો...” સેવક સંતે કહ્યું.
સમય છે રાત્રિના ૧૨:૩૦ વાગ્યાનો. આખા દિવસના દાહોદ ખાતેના વિચરણ બાદ સ્વામિનારાયણ ધામ પરત પધારતાં અમદાવાદથી આશરે ૧૫ કિ.મી. દૂર વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની ગાડીમાં પંચર પડ્યું હતું. આખા દિવસનો થાક, ઉપરાંત બપોરે મોડે સુધી હરિભક્તોના ઘરે પધરામણીઓ છતાં પણ એ દિવ્યપુરુષે હરિભક્તની ગાડી મગાવવાની સ્પષ્ટ ના પાડી દીધી.
“આપણાથી કોઈને અડધી રાત્રે તકલીફ ન અપાય. આપણી સાનુકૂળતા માટે થઈ હરિભક્તને તકલીફ આપવાની ને..!” પૂ. સંતો દિવ્યપુરુષના જતન માટે તેઓના આગ્રહ સામે ઝઝૂમી રહ્યા તેમ છતાં પણ તેઓએ મચક ન આપી.
“આપણી ગાડીમાં સ્પેર વ્હિલ તો છે જ ને. તો પછી એ લગાવી દો. ચાલો, હું પણ તમને મદદ કરાવું.” પૂ. સંતોએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને બેસવા માટે રસ્તાની બાજુમાં વ્યવસ્થા કરી આપી પરંતુ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તો સંતો-હરિભક્તોને ગાડીનું સ્પેર વ્હિલ બદલવા ગાડી ઊંચી કરવા મદદે પહોંચી ગયા. સૌએ પરાણે સેવા મુકાવી દીધી તો તેઓ ટોર્ચ લઈને ત્યાં જ બેસી ગયા. જેથી મુક્તોને બોલ્ટ ચડાવવા-ઉતારવામાં સ્પષ્ટ દેખાય.
વિચરણ દરમ્યાનનો ભીડો વેઠીને અંતે રાત્રિના ૧:૪૫ કલાકની આસપાસ સ્વામિનારાયણ ધામ ખાતે પહોંચ્યા બાદ પણ એ દિવ્યપુરુષે એક અલ્પ શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. એમના જીવનમાંથી તેઓ સદૈવ એક જ ગીત શીખવતા રહ્યા છે. બસ, ‘જેમ હરિની મરજી...’
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના જીવનમાંથી પળે પળે ઝરતા અનેક ગુણોમાંથી એક ગુણને હૈયામાં ધરીએ તો ક્યાં એ સર્વોચ્ચ સ્થાને બિરાજેલ દિવ્ય સ્વરૂપ અને કેવું એમનું અણમોલ દાસત્વપણું..!