ગુરુદેવ પ.પૂ. બાપજી યુવાનોને સત્સંગનો રંગ ચડે તે માટે સતત ને સમે સમે સંભારતા રહે. એક યુવક સાવ નવો જ સત્સંગમાં આવ્યો. તેને સત્સંગ ગમે તેથી તે સભામાં ગુરુદેવ પ.પૂ. બાપજીના આગ્રહે આગળ બેસે. 

સભા બાદ ગુરુદેવ પ.પૂ. બાપજી એને વ્યક્તિગત ફોન કરી સભામાં થયેલ કથા અંગે પૂછે, “સભા સમજાતી હતી ને ! સભામાં શું ખબર ના પડી !” આમ, આ રીતે યુવકને અંગત બળ આપતા. નિયમિત રીતે ફોન કરીને સત્સંગ ને વ્યવહાર અંગે પૂછતા. 

તો વળી, ક્યારેક બપોરની નિદ્રા ત્યજી ગુરુદેવ પ.પૂ. બાપજી એ યુવકને ક્યારેક કલાક, તો ક્યારેક દોઢ કલાક ફોન પર અંગત લાભ આપતા. વળી, સભાના આગલા દિને ફોન કરી સભામાં આવવા માટે કહેતા. 

આમ, સતત એકાદ વર્ષ આ યુવકને ફોન કરી સત્સંગમાં પીઢત્વ પ્રદાન કર્યું. આવા અનેક યુવાનોને ગુરુદેવ પ.પૂ. બાપજીએ ફોનથી સત્સંગ કરાવી સત્સંગનાં મૂલ્યો ને સત્સંગનું ફળ પ્રદાન કર્યાં છે.