શ્રીહરિએ મેમકા છોડાવી હરિભક્તોની રક્ષા કરી
“મૂળજી શેઠ, હંસરાજભાઈ, શ્યામો કણસાગરો ને શ્યામો અગોલો, તમે અમારી આજ્ઞા પાળશો ?” શ્રીજીમહારાજે મેમકાથી બોચાસણ જતા હરિભક્તોને પૂછ્યું.
“મહારાજ ! આપ જેમ કહેશો તેમ કરીશું.” હરિભક્તોએ હાથ જોડી કહ્યું.
આ સાંભળી મહારાજ રાજી થયા ને કહ્યું, “તમે આજથી વીસ દિવસની અંદર વઢવાણ પરગણાનું આ મેમકા છોડીને પર-પરગણામાં રહેવા જજો.”
આ સાંભળીને ચારે જણા ગંભીર બની ગયા.
મહારાજે તેમને કહ્યું, “સુખિયા થવું હોય તો આજ્ઞા પાળજો.”
એમ કહી મહારાજ ત્યાંથી બોચાસણ પધાર્યા.
મહારાજની આજ્ઞા અનુસાર મૂળજી શેઠ મેમકા છોડી લીમલી ગયા, હંસરાજ સુથાર ખોલડિયાદ ગયા, શ્યામો કણસાગરો અને શ્યામો અગોલો બંને ચાણપુર રહેવા ગયા.
મહારાજે આજ્ઞા કરી પછી બરાબર વીસમે દિવસે વડોદરાથી બાબાજી દીવાનનું લશ્કર આવ્યું અને મેમકા ગામ લૂંટીને બાળી દીધું.
આમ, મહારાજે પોતાના આશ્રિત ભક્તોની રક્ષા કરી.