માથે જરિયાની ફેંટો, ઉપર રેશમી અચકન (એક જાતનો લાંબો ડગલો), જરિયાની સુરવાલ, કંઠમાં મોતીની માળા, દસે આંગળીમાં સોનાના વેઢ, પગમાં મોજડી આવો રજવાડી ઠાઠ જોઈ બોચાસણનાં નાનીબા મૂંઝવણમાં પડી ગયાં. 

આ રાજવીરને જોઈ નાનીબાને સ્મૃતિપટ પર નીલકંઠ વર્ણીની મૂર્તિ આવી પણ ક્યાં એ તપસ્વી ને ક્યાં આ રાજવી ! સ્વરૂપ તો નીલકંઠ વર્ણીનું જ હતું.

“નાનીબા ! સાવ ભૂલી ગયા ? અમે અહીં આવ્યા હતા ને તમારા હાથે દૂધ–ભાત જમ્યા હતા.” રાજવીના શબ્દો સાંભળી નાનીબાના સ્મૃતિપટ પર નીલકંઠ વર્ણીની મૂર્તિ આવી ગઈ. એટલામાં રાજવી બોલ્યા, “નાનીબા ! તે દી’ અમે તપસ્વી વેશે હતા, માથે જટા હતી, શરીર ઉપર એક કૌપીન સિવાય કોઈ વસ્ત્ર ન હતું.”

નાનીબાના હૃદયમાં નીલકંઠ વર્ણીની મૂર્તિ હવે સંપૂર્ણ કંડારાઈ ગઈ કે, ‘નીલકંઠ વર્ણી હતા એ જ આ રાજવી વેશે મારી સામે ઊભા છે.’ એમ વિચારતાં ગદ્ગદિત થઈ બોલ્યાં, “હા... હા... પ્રભુ ! તમે અમને મૂકીને ચાલ્યા ગયા... આમ સાવ નોધારા મૂકીને.”

“નાનીબા ! અમે ભક્તને કદી નોધારા મૂકતા નથી. જે અમારી વાટ જુએ છે એમની પાસે અમે જઈએ છીએ. જે અમને સંભારે છે એને અમે પ્રત્યક્ષ દર્શન દઈએ છીએ. અમે ભક્તોની પાછળ ફરીએ છીએ.” એમ કહી શ્રીહરિ બોલ્યા, 

“નાનીબા યાદ કરો, અમે નીલકંઠ વર્ણી વેશે આપને ત્યાં પધાર્યા ત્યારે આપે અમને રોકાવા બહુ આગ્રહ કરેલો. ત્યારે અમે આપને વચન આપેલું કે, ‘હું ફરી આવીશ.’ આ વચને અમે બંધાયેલા. તે વચન પૂરું કરવા આપના ઘરે પધાર્યા.” 

આમ, શ્રીહરિ પોતાના ભક્તોને આપેલા વચનને પૂર્ણ કરવા તત્પર થતા.