ખરેખર સ્વામીશ્રીનો જ ફોન છે ?
સમર્પિત તાલીમ કેન્દ્રના જીવનકાળ દરમ્યાન સમર્પિત મુક્તોને મળતો હોય છે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો રસભીનો માતૃવાત્સલ્ય સ્નેહ.
જેનો સ્વાનુભવ વર્ણન કરતાં એક સમર્પિત તાલીમ કેન્દ્રના મુક્તે કહ્યું, “સેવક સમર્પિત તાલીમ કેન્દ્રમાં તાલીમ લઈ રહ્યો હતો. તે અરસામાં મહારાજની ઇચ્છાથી મને મેલેરિયા થયો. તેથી મારે સ્વામિનારાયણ ધામ નજીક આવેલી આનંદ હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. એક દિવસ હૉસ્પિટલમાં સવારે પ્રાત: પૂજા પતાવી હું માળા કરતો હતો ત્યાં તો મારા સહસાથી મુક્ત ફોન લઈને આવ્યા અને કહ્યું, ‘લ્યો ફોન...’
‘કોનો છે...?’ મેં પૂછ્યું.
‘ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો ફોન છે.’ તેમણે કહ્યું.
‘હેં... સાચું બોલો છો ??’
‘હા હવે, ઝટ લો. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો જ ફોન છે. તમારી ખબર પૂછવા કર્યો છે.’
‘પણ... ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તો અત્યારે એકાંતમાં છે ને..!!’ એટલું બોલતાં મેં ફોન રિસીવ કર્યો.
સ્વામીશ્રીએ મારી તબિયત પૂછી, કાળજી રાખવાની કહી. નિ:સંકોચપણે જે જોઈએ તે લેવાનું કહ્યું અને ખાસ બરાબર જમવાનું કહ્યું. સાથે તેમણે મારા સ્વવિકાસની ચિંતા પણ વ્યક્ત કરી.
ખરેખર તેઓ મારી સાચી જનની છે. તેઓ મારી કેટલી ચિંતા રાખે છે. સત્સંગ સમાજની કેટલી મોટી જવાબદારી ! છતાં તેઓ એમના દીકરાની કેટલી ચિંતા-ભાળ રાખે છે ! અરે, એકાંતમાં તો તેઓ કોઈની સાથે ન બોલતા હોવા છતાં એ માતૃહૃદય દીકરાની ખબર પૂછ્યા વગર ન રહી શક્યું.
આહાહાહા... કેવી કરુણા એ દિવ્ય જનનીની !”
આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની રસભીના માતૃવાત્સલ્ય સ્નેહ વર્ષામાં અનંત ભીંજાયા છે ને ભીંજાતા રહ્યા છે.