ધુવા નામે ગામને વિષે એક લુવાર બીંદો નામે હરિભક્ત બહુ સારા હતા. પરંતુ તેમની કાકી કુસંગી અને દુષ્ટ સ્વભાવવાળાં હતાં. તેઓ સત્સંગીની ઠેકડી કર્યા કરતાં ને સત્સંગીને દેખીને બળી મરતાં. ને તેઓ બોલે ત્યાં તો ઝેર વર્ષે ને તેઓ સત્સંગીને માથે ખોટી આળ મૂકતાં ને ગાળ્યું પણ દીધા કરતાં ને કહેતાં જે, “બીંદો તો સ્વામીનો થયો, તે બગડી ગયો છે.”

     આમ તેમનાં કાકી જીવ્યાં ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ ને એમના ભક્તો વિષે અવળું જ બોલતાં રહ્યાં. તેમનું આયુષ્ય પૂરું થતા જમ તેડવા આવ્યા. જમને દેખીને તેમણે પોતાનાં આરાધ્ય દેવ-દેવીને તથા પોતે જે ભેખધારીને સેવ્યા હતા તેને સંભાર્યા, પ્રાર્થના-વિનંતી કરી. પણ કોઈએ તે સમયે સહાય કરી નહીં. જમ તો  ‘મારો મારો’ કહેવા લાગ્યા. તેથી તેઓ અતિશે દુઃખી થઈ ગયાં.

     પછી તેમણે શ્રીજીમહારાજને સંભાર્યા જે, “હે સ્વામિનારાયણ ! તમે ભગવાન હો તો આ સમયે મારી જમ થકી રક્ષા કરો.” ત્યાં તો જમ છેટે ખસી ગયા એટલે તેમણે વારંવાર ‘સ્વામિનારાયણ’ નામ લેવા માંડ્યું. ત્યારે શ્રીજીમહારાજ સુંદર રથમાં બેસીને પાર્ષદ સહિત પધાર્યા ને ગામનાં બધાં માણસોને શ્રીજીમહારાજનાં દર્શન થયાં.

     પછી શ્રીજીમહારાજ ડોશી પાસે પધાર્યા ત્યારે જમ ભાગી ગયા. પછી ડોશીએ મહારાજનાં દર્શન કર્યાં ને સ્તુતિ કરવા લાગ્યાં જે, “ધન્ય ધન્ય મહારાજ ! તમે મારો આ સમયે અવગુણ ન જોયો ને મારી સહાય કરી. હે મહારાજ, તમે તો અજાત શત્રુ છો, ને મેં તમારી સાથે નરી શત્રુતા જ રાખી... પણ મારા ગુનાને માફ કરો. તમે તો દયાળુ છો માટે તમારું બિરુદ સંભારીને આવ્યા છો.” એમ કહી દેહનો ત્યાગ કરીને મહારાજ સાથે ધામમાં ગયાં.

      ત્યારે ગામનાં લોક કહેવાં લાગ્યાં જે,  ‘ધન્ય છે સ્વામિનારાયણને જે આવી અભાગણીના પણ દોષ ન જોયા ને તેડવા આવ્યા.”

      આમ, શ્રીજીમહારાજે અજાત શત્રુતાના ગુણે અનંત અવગુણિયા જીવોને પણ તાર્યા છે.