ઈ.સ. ૨૦૧૭માં પૂ. સંતો વિદેશ વિચરણમાં લંડન પધાર્યા હતા. ત્યાંના હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી માટે આફ્રિકન nuts મોકલાવ્યા હતા. પૂ. સંતોએ ઠાકોરજીને ધરાવી ગુરુજીને આપ્યા.

ગુરુજીએ nuts જોઈ પ્રથમ પ્રશ્ન પૂછ્યો, “ઠાકોરજીને ધરાવ્યા ?” “હા દયાળુ, ધરાવ્યા છે.” “વાસણા પ.પૂ. બાપજીને મોકલાવ્યા છે ?” “દયાળુ, વાસણા પ.પૂ. બાપજીની સેવામાં પૂ. સંતો છે, તેમની સાથે વાત થઈ તો તેઓ કહેતા હતા કે ગુરુદેવ પ.પૂ. બાપજીને આ nuts નહિ ફાવે.”

“સંતો ! એક વાર મોકલો તો ખરા. બાપજીને જમાડો પછી ખબર પડે કે તેમને ફાવશે કે નહિ ફાવે.” પૂ. સંતોએ તરત વાસણા મોકલાવી દીધા.

બીજા દિવસે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ વાસણા સેવામાં રહેલા પૂ. સંતોને ફોન કર્યો કે, “બાપજીએ nuts ગ્રહણ કર્યા ?” સેવક સંતે કહ્યું, “બહુ કડક છે માટે આપ્યા નથી.” “nuts કડક હોય તો તેને મિક્ષરમાં ગ્રાઇન્ડ કરીને આપો.” સેવક સંતે મિક્ષરમાં ક્રશ કરી nutsનો ભુક્કો ગુરુદેવ પ.પૂ. બાપજીને આપ્યો. ગુરુદેવ પ.પૂ. બાપજીએ એકાદ ચમચી જેટલો nuts ગ્રહણ કર્યો. બે-ત્રણ દિવસ પૂ. સંતોએ ગુરુદેવ પ.પૂ. બાપજીને nutsનો ભુક્કો આપ્યો.

ત્યારબાદ ધામ પર ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની સેવામાં રહેલા સેવક સંતે ઠાકોરજીને ધરાવી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે, “મહારાજ અને ગુરુદેવ પ.પૂ. બાપજી બે-ત્રણ દિવસથી રોજ nuts ગ્રહણ કરે છે. તો હવે તો આપ લો.” ત્યારે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “જો ગુરુદેવ પ.પૂ. બાપજીને અનુકૂળ આવ્યા હોય તો તેઓ ગ્રહણ કરે. વધે તો સૌ પૂ. સંતોને આપજો. પછી જ સેવક લેશે. આપણા જીવનમાં હંમેશાં ગુરુદેવ પ.પૂ. બાપજી પહેલાં રહેવા જોઈએ. આ ક્યારેય ન ભૂલવું.”

જીવનમાં હરહંમેશ અગ્રિમ સ્થાને ગુરુદેવ પ.પૂ. બાપજીને જ રાખનાર તથા સંતોને પોતાથી આગળ રાખનાર એવા દાસત્વની મૂર્તિ એવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન..!!