સંતોની શ્રીહરિના પૂજનની રીત
શ્રીહરિ વડતાલ પધાર્યા. વડતાલમાં સૌ સંતો-હરિભક્તો શ્રીહરિને જ્ઞાનબાગમાં લઈ ગયા અને ભવ્ય હિંડોળામાં બિરાજમાન કર્યા. હિંડોળા ઉત્સવ કરતાં સૌ સંતો-હરિભક્તોના અંતરમાંથી માયાના ઘાટ માત્ર ટળી જતા. વાતાવરણ અક્ષરધામ તુલ્ય બની ગયું.
આવા દિવ્યમાહોલમાં શ્રીહરિના પૂજનની ઈચ્છા સ્વામી રામદાસજીને થઈ આવી. તેથી તેઓએ કહ્યું,
“મહારાજ, આપની મરજી હોય તો અમે સૌ સંતો આપનું પૂજન કરીએ ?”
ઘડીભર થંભી શ્રીહરિએ સંતોને નિર્લોભી વર્તમાનમાં સજાગ કરતા કહ્યું, “સંતોએ અમારું પૂજન હરિભક્તોની જેમ વસ્ત્ર, અલંકાર કે મેવા-મીઠાઈથી ન કરવું. તેઓએ તો પત્ર, પુષ્પ, જળ અને માગ્યા વિના મળેલા ફળથી કરવું. પરંતુ અન્ય કોઈ પદાર્થ વડે અમારું પૂજન કરવાનો ભાવ રાખવો નહીં.”
થોડીવારે ફરી શ્રીહરિ બોલ્યા, “જો તમને અમારા પૂજનનો આગ્રહ જાગે તો તમારે હરિભક્તો પાસે પદાર્થ માગવાં પડે, તેનાથી તમારો નિર્લોભી વર્તમાનનો ભંગ થાય. માટે અમે કહીએ છીએ કે અમારી આજ્ઞામાં રહી તમારે અમારું પૂજન કરવું.”
આમ શ્રીહરિ વખતોવખત કોઈપણ નિમિત્તે સંતોને પંચવર્તમાનની દૃઢતાના ઉપદેશવચનો કહી સંતોનાં જીવન અણીશુદ્ધ કરતા. અણીશુદ્ધ કરતા રહ્યા છે.