“તમે ક્યાં જાવ છો ?” ગઢપુર સમૈયો કરવા જતા હરિભક્તોને એક પટેલે પૂછ્યું.

“અમે ગઢડે શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરવા જઈએ છીએ.” હરિભક્તોએ કહ્યું.

“હેં, શ્રી સ્વામિનારાયણ ભગવાન છે ?”

“હા, ભગવાન છે.”

“તમે ઊભા રહો. હું ગામમાં જઈને ભગવાનને આપવા સારુ ભેટ લઈ આવું.” તે પટેલ દોડતાં હરખભેર ગામમાં જઈ ઘરેથી દસ રૂપિયા લાવ્યા ને હરિભક્તોને આપીને કહ્યું, “શ્રી સ્વામિનારાયણ ભગવાનને મારા વતી ભેટ મૂકજો.” હરિભક્તો ગઢડે આવ્યા. શ્રીજીમહારાજનાં દર્શન કરી હરિભક્તોએ ભેટ મૂકી પણ પટેલે આપેલ દસ રૂપિયા મૂકવાનું ભૂલી ગયા.

શ્રીજીમહારાજે અંતર્યામીપણે પટેલની ભેટને માગી મસ્તક હલાવ્યું.

ત્યારે સદ્. બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, “મહારાજ, આપે માથું કેમ ધુણાવ્યું ?”

ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “સ્વામી, પટેલે આપેલ દસ રૂપિયા મારે ખરા સમયે પાછા હજારગણા કરી આપવાના થશે.”

આમ, શ્રીહરિ પોતાના હરિભક્તની અલ્પ સેવાનો સ્વીકાર કરી, હરિભક્તોને તન, મન ને ધનના દુઃખોમાંથી ઉગારતા.