સંત વાત્સલ્યની સુવાસ
એક વખત શ્રીજીમહારાજ પ્રસંગોપાત્ત સુરાખાચરને ત્યાં પધાર્યા હતા. સુરાખાચરના ઘરે રસોઈનો થાળ જોઈ શ્રીજીમહારાજે બ્રહ્મચારીને કહ્યું, “બ્રહ્મચારી ! તમે બાટી બનાવી નથી ?”
બ્રહ્મચારીએ હાથ જોડી કહ્યું, “મહારાજ ! શાંતિબાનો આગ્રહ હતો કે મહારાજ ચૂરમું જમે. તેથી તેમણે બાટી કરવા લોટ આપ્યો નહીં.”
એટલામાં શાંતિબા આવ્યાં. શ્રીજીમહારાજને હાથ જોડી કહ્યું, “હે મહારાજ ! આપ જમશો તો હરિભક્તોના ઘરમાં રસકસ રહેશે, પણ આપ કેવળ બાટી જ જમાડશો તો અમને પણ એવું જ મળશે.”
શ્રીજીમહારાજે કહ્યું, “અમે તો ભક્તોના ભાવથી તેમના ભંડાર ભરપૂર કરી દઈએ છીએ પણ અમારા સંતો નિ:સ્વાદી વ્રત રાખે ત્યારે અમારે આવું બધું શે જમાડાય ?”
આમ, શ્રીજીમહારાજે તરત જ સંતોના નિઃસ્વાદી વ્રત-વર્તમાનની સ્મૃતિ કરાવી નિયમ-ધર્મ અંગે જીવંતતા બતાવી, નિઃસ્વાદીપણાની દિશા બતાવી.