તા. ૨૪-૭-૨૧ ને શનિવારના મંગલમય ગુરુપૂર્ણિમાના દિને પૂ. સંતોને બપોરે ૩:૩૦ના ટકોરે વ્હાલા ગુરુજીએ દિવ્ય આગમન તથા દિવ્યવાણીનો લાભ આપ્યો. અંતમાં ગુરુપૂર્ણિમાના ફળ સ્વરૂપે સૌ પૂ. સંતો ગુરુજીનાં આશીર્વચન પામવા આતુર હતા. પરંતુ આ શું..!!

ગુરુજીએ પૂ. સંતો સમક્ષ દિવ્યભાવે હસ્ત જોડી કહ્યું, “સર્વે સંતો-મુક્તો ! આપ સૌને અમે પ્રાર્થના કરીએ છીએ કે, ભલે તમે બધાય અમને ગુરુ ગુરુ કહો છો પણ અમને ગુરુભાવનો અંકુર આજ દિન સુધી ઊઠ્યો નથી. કારણ, અમે તો આપ સૌના દાસ જ છીએ અને આપ સૌના દાસ બની રહેવાય એવા આપ બધાય અમારા પર આશિષ વરસાવજો.”

અરે ! આ તો ઊલટી ગંગા ! પરભાવનું સ્વરૂપ અવરભાવમાં રહેલ મૂર્તિમય મુક્તોને કેવી કાકલૂદી કરે ! સર્વે મુક્તો વિષે પરભાવ જોનારા સત્ય સંકલ્પી ગુરુ મૂર્તિ એટલે આપણા ગુરુજી !