નાજા જોગિયા ઉપર શ્રીહરિનો રાજીપો
એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં નાજા જોગિયા અને અલૈયા ભક્ત ઘેલાના ઠંડા જળમાં બેસી આકરું તપ કરતા હતા. શ્રીહરિ સંતો-હરિભક્તોને આવું આકરું તપ-જપ-ભજન કરતાં જુએ તો અતિશે રાજી થઈ જતા. તેમની પ્રશંસા કરી પ્રસાદીનો હાર અથવા પ્રસાદી આપતા.
આ બંને મુક્તોને તપના ફળ સ્વરૂપે રાજીપાની ઇચ્છા રહેતી પણ શ્રીજીમહારાજ આ વાતની સ્મૃતિ સુધ્ધાંય ન કરતા.
એ જ સમયમાં દાદાખાચરની તાજણ ઘોડીની વછેરીને સાચવનાર રખવાળ બીમાર પડ્યા ત્યારે મહારાજે આ ચિંતા વ્યક્ત કરતાં સભાજનોને કહ્યું, “અમારી અને દાદાખાચરની ઘોડી સાચવનાર કોઈ ખરા ?”
“અરે મહારાજ, એ તો નાજા જોગિયા છે.”
“તો બોલાવો નાજા જોગિયાને.”
“પણ મહારાજ એ તો ઘેલામાં કેટલાય સમયથી તપ કરે છે.”
“તમો એમને સમાચાર આપો કે મહારાજ બોલાવે છે.”
મહાપ્રભુએ તેઓને બોલાવી ઘોડી સાચવવાની સેવા સોંપી. નાજા જોગિયાએ તપ છોડી શ્રીજીવચને રાજી થકા સેવા સ્વીકારી તેથી શ્રીહરિ તેમના પર અતિ પ્રસન્ન થયા.
બપોરે થાળના સમયે શ્રીહરિએ નાજા જોગિયાને બોલાવી થાળની પ્રસાદી આપી.
આમ, નાજા જોગિયાએ રાજી થકા તપ છોડી શ્રીજીમહારાજની સેવા સ્વીકારી તેથી તેઓના પર અતિશે રાજી થયા.