બાળમુકતોને પ્રસાદ ખુબ પીરસજો
તા. 22-7-2018 ને રવિવારના રોજ વાસણા ખાતે ગુરુપૂર્ણિમાના પ્રતીક અવસરે ગુરુઋણ અદા કરવા સ્વામિનારાયણ ધામ ગુરુકુલ તથા અમદાવાદ સેન્ટરના બાળમુક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા અતિ ઉત્સુક હતા.
એ જ દિવસે રાજકોટ ખાતે પણ ગુરુપૂર્ણિમાનો પ્રોગ્રામ હોવાથી ગુરુદેવ પ.પૂ. બાપજી રાજકોટના હરિભક્તોને ઓનલાઇન દર્શન આપી સુખિયા કરતા હતા.
હરિભક્તોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં હતી. વળી સૌ વિનય વચને પ્રાર્થના કરતા હોવાથી ગુરુદેવ પ.પૂ. બાપજીને બાળમુક્તોના પ્રોગ્રામમાં પધારતાં થોડું મોડું થઈ ગયું હતું.
નિજની ચિંતા છોડી સૌની ચિંતા, સ્વસુખને પરહરી સૌના સુખનો ખ્યાલ રાખનાર ગુરુદેવ પ.પૂ. બાપજીને પોતાને જમાડવાની કોઈ ફિકર નહોતી. ‘જેમ જનનીને હૈયે હેત છે, સદા સુતને સાથ’ તેમ ગુરુદેવ પ.પૂ. બાપજીના માતૃહૃદયમાં બાળમુક્તો પરત્વેની મમતા ઝબૂક્યા વિના કેમ રહે ! તેથી સેવક સંતને પાસે બોલાવી કહ્યું,
“આ ગુરુકુલના બાળકોને જમાડીને જવાનું છે ?” “ના બાપજી ! અહીં જમવાનું નથી. સ્વામિનારાયણ ધામ પર જઈ જમવાનું છે.” સેવક સંતે કહ્યું. પરભાવમાં રાચતા ગુરુદેવ બાપજીએ બાળકોના સ્થાને બિરાજીને કહ્યું, “બાળમુક્તો બપોરના એક વાગ્યા સુધી ભૂખ્યા નહિ રહી શકે. માટે રસોડામાં કહી દો કે તેઓ માટે પ્રસાદમાં શીરો બનાવવાનો ચાલુ કરી દે. બધા બાળમુક્તોને પ્રસાદ ખૂબ પીરસજો. ભલે બીજું સ્વામિનારાયણ ધામ પર જમાડે. ત્યાંય ઠાકોરજીની રસોઈનો બગાડ ન થાય.”
આમ, કોટિ જનનીનાં હેત લાજે એવી મમતા અને હેતનો દરિયો એટલે જ ગુરુદેવ પ.પૂ. બાપજી !!