આખું અમેરિકા કારણ સત્સંગના રંગે રંગાશે
ઈ.સ. 2016માં કારણ સત્સંગના વિજયધ્વજો લહેરાવવા ગુરુદેવ પ.પૂ. બાપજી અમેરિકા ન્યૂજર્સી ખાતે પધાર્યા હતા. કળિયુગના કલુષિત વાતાવરણથી ગ્રસ્ત અમેરિકાની ભૂમિ આ દિવ્યપુરુષના દિવ્ય ચરણકમળના સ્પર્શથી દિવ્યતા અનુભવી રહી હતી. ભારતથી અમેરિકા ન્યૂજર્સી સુધીની આ હવાઈ મુસાફરી સતત 20 કલાકની થયેલી. લાંબી મુસાફરીના કારણે તેઓની મુખમુદ્રા પર ભારે થાક જણાઈ આવતો હતો. સાથે રહેલા પૂ. સંતો અને ડોક્ટરના હૈયે સતત ચિંતા સાલ્યા કરતી હતી કે, આટલી જૈફ વયે રખે ને ગુરુદેવ બાપજીને કાંઈ તકલીફ ઊભી ન થાય.
સતત 20 કલાકની મુસાફરી બાદ ન્યૂજર્સી ખાતે સૌ ઉતારા સ્થળે પહોંચ્યા. થાકથી રાહત થાય તે માટે પૂ. સંતો-હરિભક્તો અને ડોક્ટરોએ ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી, “દયાળુ, આપને ગરમ પાણીથી સ્નાન કરાવીએ, જેથી આપનો થાક દૂર થાય ?”
જેમના રોમ રોમમાં સિદ્ધાંત પ્રચારનો જ એકમાત્ર રજમો હતો એવા ગુરુદેવ પ.પૂ. બાપજી પળનોય વિલંબ કર્યા વિના બોલી ઊઠ્યા, “સંતો-હરિભક્તો ! જે દિવસે આખું અમેરિકા કારણ સત્સંગના રંગે રંગાશે તે દિવસે અમારો થાક દૂર થશે.”
સર્વે સંતો-હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીનો દેહનો અનાદર અને સિદ્ધાંત પ્રચારના આગ્રહને મનોમન વંદી રહ્યા !!