તા. 28-3-21 ને રવિવારના રોજ વાસણા અમદાવાદ  મુકામે ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રાગટ્ય દિન નિમિત્તે SMVS હોસ્પિટલના સિટી સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા હતા.

સિટી સેન્ટરના મુખ્ય રિસેપ્શન કાઉન્ટર ઉપર લગાવેલી નેમ પ્લેટ પર ગુરુજી સ્વામીશ્રીએ કુમકુમથી પૂજન-અર્ચન કર્યું.

એ સમય દરમ્યાન ગુરુજી સ્વામીશ્રીએ નામ વાચ્યું. ‘એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ હોસ્પિટલ સિટી સેન્ટર’ (ઇંગ્લિશ લખેલું છે) ને બદલે માત્ર ‘એસ.એમ.વી.એસ. હોસ્પિટલ સિટી સેન્ટર’ હતું.

કારણ સ્વરૂપના મુખ્યપણાને હંમેશાં અગ્રિમ સ્થાને રાખનાર ગુરુજી સ્વામીશ્રીએ ક્ષણનોય વિલંબ કર્યા વિના વ્યવસ્થાપક સભ્યોને પૂછ્યું, “અહીંથી સ્વામિનારાયણ નામ કેમ કાઢી નાખ્યું ??”

“દયાળુ, બીજું તો કોઈ કારણ ન હતું પણ નામ મોટું થઈ જતું હતું તેથી...” હજુ તો સભ્ય દ્વારા પ્રશ્નનો ઉત્તર પૂર્ણ થાય તે પૂર્વે ગુરુજી સ્વામીશ્રીએ ટકોર કરી,

“સ્વામિનારાયણને લઈને તો આ બધું છે ને જે કાંઈ થાય છે તે પણ એમને લઈને તો થઈ રહ્યું છે. તેમને જ કાઢી નાખ્યા ?? એ તો કારણ (મુખ્ય મુદ્દો) છે. આ હોસ્પિટલ કે સિટી સેન્ટર એ બધું સ્વામિનારાયણનું જ છે.”

આમ, ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ સદાય મહારાજનું મુખ્યપણું રાખ્યું છે અને રખાવ્યું છે. કદી મુખ્ય મુદ્દો એવા મહારાજને ગૌણ થવા દીધા નથી.