અમને જૂનો સોફો જ બેસવા માટે આપો
તા. 24 જુલાઈ, 2021. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને...
સાંજે 5:05 વાગ્યાના સુમારે હરિકૃષ્ણ મહારાજ સંગે સંત મંડળે સહિત ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પધારતાં વાતાવરણમાં દિવ્યાનંદ પ્રસરી ગયો. તાળીઓના ગડગડાટથી સૌએ ગુરુજીને વધાવી લીધા.
આગમન પૂર્ણ થયા બાદ ગુરુજી ઠાકોરજી તથા ગુરુદેવ પ.પૂ. બાપજીના દંડવત કરી બેસવા માટે સોફા નજીક પધાર્યા. સોફા પર દૃષ્ટિ કરી ગુરુજી થોડીક ક્ષણો માટે ઊભા રહ્યા.
એ વખતે પૂ. સંતોએ સોફા પર બિરાજવા પ્રાર્થના કરી. સોફો સાવ સાદો જ હતો પરંતુ સોફાની બોર્ડર પર લાકડાની સામાન્ય ડેકોરેશનવાળી પાતળી ફ્રેમ લગાવવામાં આવેલી. જે જોઈ ગુરુજીએ કહ્યું,
“આ તો ગુરુદેવ બાપજીનો સોફો છે...”
પૂ. સંતોએ કહ્યું, “દયાળુ, આ ગુરુદેવ બાપજીનો સોફો નથી. નવો બનાવડાવ્યો છે. આપના માટે છે માટે બિરાજો.”
પરંતુ તેઓએ પૂ. સંતોની પ્રાર્થના ન સ્વીકારતાં પોતે જે જૂના સોફા પર બિરાજતા તે જ સોફો મંગાવવાનો આગ્રહ કર્યો. સંતો જૂનો સોફો લાવ્યા પછી જ તેમાં બિરાજમાન થયા.
પ્રત્યક્ષ રીતે લાભ લેનાર સંત-હરિભક્ત સમાજ ગુરુપૂર્ણિમાના દિને ગુરુજી સ્વામીશ્રીની સાદગીની રૂડી રીત તથા ગુરુ મહાત્મ્યને જોઈ વંદી રહ્યા.