શ્રીજીમહારાજે સંતોનો મહિમા ગાયો
એક વખત શ્રીજીમહારાજ ઉગમણાબારના ઓરડાની ઓસરીએ સભા ભરીને બિરાજમાન હતા. ત્યાં સદ્. નિષ્કુળાનંદ સ્વામી આવીને બોલ્યા જે, “મહારાજ ! તમે ઘેલા નદીએ પધારો તો આપણે મંદિર ચણવાનું કામ ચાલે છે, તે સારું પાણા કઢાવીએ.”
પછી શ્રીજીમહારાજ નદીએ પધાર્યા તે ઉગમણે આરે મોટા પત્થર ઉપર બેઠા. ત્યાં સદ્. મુક્તાનંદ સ્વામી મહારાજ આગળ આવીને બેઠા ને બીજા સાધુ, પાર્ષદ તથા હરિભક્ત સર્વે પથરા કાઢવા લાગ્યા. તે પથરા કાઢવાનું કામ બહુ ઝડપથી ચાલ્યું ને ગામમાંથી ગરઢેરા (વડીલો) શ્રીજીમહારાજનાં દર્શન કરવા આવ્યા. ને આવી શ્રીજીમહારાજને પગે લાગીને આગળ બેઠા, ત્યારે શ્રીજીમહારાજે સદ્. મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી જે, “વાતો કરો.” ત્યારે સદ્. મુક્તાનંદ સ્વામીએ બહુ સારી વાતો કરી તે સર્વે ગરઢેરાને સારું લાગ્યું.
પછી શ્રીજીમહારાજે વાત કરી તે બહુ સારી લાગી ત્યારે શ્રીજીમહારાજે સોમલાખાચરને કહ્યું, “આ ગરઢેરાને પૂછો જે, આ સાધુને કેવા જાણો છો ?” ત્યારે સોમલાખાચરે સૌને પૂછ્યું પણ કોઈ બોલ્યા નહિ ને તાતણિયા ગામનો એક ચારણ બોલ્યો જે, “સદ્. મુક્તાનંદ સ્વામી તથા સદ્. બ્રહ્માનંદ સ્વામી તે તો મોટા છે.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “આ બીજા સાધુને કેવા સમજો છો ?” ત્યારે તેમણે કહ્યું, “એવા ધાન ખાવાવાળા તો ઘણા ભેળા થાય છે.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “તમે સમજો છો તેવા આ સાધુ નથી. એ તો બહુ મોટા છે.” એમ કહી સદ્. શાંતાનંદ સ્વામીને કહ્યું, “સદ્. સિદ્ધાનંદ સ્વામીને બોલાવો.”
પછી સદ્. સિદ્ધાનંદ સ્વામીને હાથમાં કોદાળી ને પરસેવો ચાલ્યો જાય, તેવા ને તેવા તેડી લાવ્યા ને જેમ મોરનું ગળું હાલે એમ સદ્. સિદ્ધાનંદ સ્વામીનું ગળું શ્રીજીમહારાજનું ભજન કરવાથી ચાલતું હતું તે જોઈને કાઠી તથા ચારણને સ્વામીનો બહુ ભાર પડ્યો. એટલે તેમણે કહ્યું જે, “મહારાજ આ તો બહુ મોટા સાધુ છે.” એટલે શ્રીજીમહારાજે કહ્યું, “સર્વે સાધુને આવી રીતે ભજન થાય છે ને સૌ સાધુ જે આ કામકાજ કરે છે તે તો અમને રાજી કરવા સારુ કરે છે પણ કામકાજ કરતાં નિરંતર ભજન કર્યા કરે છે.” એ રીતે એમની આગળ શ્રીજીમહારાજે બહુ વાત કરી. પછી તે સર્વે શ્રીજીમહારાજને પગે લાગીને ઊઠ્યા. પછી ચાર-પાંચ ઘડી સુધી પત્થર કાઢવાનું કામ ચલાવ્યું. પછી શ્રીજીમહારાજે કહ્યું, “હવે કામ બંધ રાખો.” પછી કામ બંધ રાખી સૌ સાધુ, પાર્ષદ તથા હરિજન માથે એક એક પત્થર ઊંચકી શ્રીજીમહારાજ સાથે દરબારમાં આવ્યા.
આમ, શ્રીજીમહારાજે સંતોનો મહિમા ગાઈ, પક્ષ રાખવાની ઉત્તમ રીત શીખવી.