તા. ૯-૧-૨૧ના રોજ ગુરુજી ચાંદખેડા વિચરણમાં પધારી રહ્યા હતા. ગુરુજી આસનેથી સાંજે ૭:૫૦ વાગે બહાર પધાર્યા. ગુરુજીને ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ જવા માટે લિફ્ટ તૈયાર રાખી હતી.

ગુરુજી લિફ્ટમાં ન પધાર્યા ને પગથિયાં ઊતરવા લાગ્યા. ત્યાં તો પગથિયાંમાં છાત્રાલયના એક મુક્તરાજે ગુરુજીના હસ્ત પકડવાની સેવા માંગી. મુક્તરાજને સેવા આપતાં અલમસ્તાઈથી ગુરુજીએ કહ્યું, “આધાર વગર... આધાર નહિ લેવાનો... એક મૂર્તિના આધારે રહેવું... મેરે તો એક તુમ હી આધારા...”

છાત્રાલયના મુક્તરાજ ગુરુજી – હસ્ત પકડવાની રીત પર કેવો છેલ્લામાં છેલ્લો અમૃત બોધ પામ્યા. મુક્તરાજ ગુરુજીની સંનિધિમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા ત્યાં તો છાત્રાલયના અન્ય મુક્તો પણ હાજર હતા. સૌએ ગુરુજીનાં દંડવત દર્શન કરતાં, ‘જય સ્વામિનારાયણ...’ કીધા.

“મેરે તો એક તુમ હી આધારા...” પ્રાર્થનાની ધ્રુવ પંક્તિ ઉચ્ચ સ્વરે અહોભાવથી ગુરુજીએ ઉચ્ચારી. તો હાજર મુક્તોએ દૃઢતાથી ઝિલાવી.

આ ક્ષણે ગુરુજીએ સમગ્ર પરિવેશમાં ‘એક હી આધારા...’નો નિનાદ ભરી દીધો. છાત્રાલયના મુક્તોને તો વિચારતા કરી દીધા : ‘ગુરુજી સર્વે ક્રિયામાં મૂર્તિના આધારની કેવી પ્રધાનતા દાખવે છે ! અરે, એક હસ્ત પકડવાની સેવામાં એમણે મહારાજનો આધાર સરળ-સહજ રીતે દૃઢ કરાવ્યો. હસ્ત મહારાજનો, હસ્ત આપનાર અને હસ્ત પકડનાર મહારાજ એમ આધાર કેવળ ‘મહારાજ જ છે’ એવી રીતિ-પ્રીતિના ઉદ્ ગાતા મારા ગુરુજી !!! ફાવી ગયો છું !!!’