સંવત 1867માં શ્રીહરિ કંડોરડા નદીએ સ્નાન કરવા પધાર્યા. નદીને કાંઠે આંબલીઓની ઘટા જોઈ શ્રીહરિએ એક વિપ્રને કહ્યું, “જાવ, ગામમાં જઈને અમારા નામે નોતરાં આપી આવો. અમારે અહીં આંબલીઓની ઘટા નીચે જ બ્રાહ્મણોની ચોરાશી કરવી છે.”

શ્રીહરિ સીધાની વ્યવસ્થા માટે ભાદા પટેલને ઘેર પધાર્યા. પટેલ ગામતરે ગયેલા. પટલાણીને મહારાજે કહ્યું, “અમારે બ્રાહ્મણોની ચોરાશી કરવી છે પણ સીધું તૈયાર નથી. તમારે ત્યાં સીધું તૈયાર છે તો તે અમને વેચાતું આપી દ્યો. તમને રકમ મળી જાય ને અમને સીધું.” પટલાણીને થયું, સીધાના બદલામાં રકમ પણ મળશે ને રાજીપો પણ. આથી તરત જ હા પાડી. મહારાજ તેમની સરળતા જોઈ અતિ પ્રસન્ન થયા.

ચોરાશી બાદ વધેલું સીધું શ્રીહરિએ પટલાણીને પરત મોકલાવ્યું ને વપરાયેલ સીધાની રકમ પણ ચૂકવી દેવા જણાવ્યું. સીધું આવતાં પટલાણીએ સીધું જોખ્યું તો એમ ને એમ જ. એક ગ્રામ પણ ઓછું થયું નહોતું. ડોસા બારોટે પટલાણીને વપરાયેલ સીધાની રકમ પૂછી તો પટલાણીએ કહ્યું, “ભગત, આમાંથી કંઈ વપરાયું જ નથી તો મફતની કોરીઓ શે લેવાય ?”

તેમ છતાં બારોટે પટલાણીને શ્રીહરિના વચન ખાતર કોરીઓ લેવા આગ્રહ કર્યો. ત્યારે પટલાણીએ પ્રસાદીની પાંચ કોરી લીધી અને શ્રીહરિને પ્રાર્થના કરાવી : “મહારાજને મારા વતી હાથ જોડી એટલી પ્રાર્થના કરજો કે અંત સમયે મને તેડવા આવે.”

બારોટે આવી શ્રીજીમહારાજને પટલાણીની સમજણની વાત કરી ત્યારે શ્રીજીમહારાજ અતિ પ્રસન્ન થયા અને કહ્યું, “કોઈ અજાણતાં અમારું નામ લે તોપણ અમે ધામમાં તેડી જઈએ ત્યારે પટલાણીએ તો આજે અમારી લાજ રાખી ! એટલે હવે અમારે છૂટકો જ ન રહ્યો.”

આમ, શ્રીહરિએ પોતાનું બિરદ જણાવ્યું.