સંવત 1867માં શ્રીજીમહારાજે અગત્રાઈમાં ભવ્ય ઉત્સવ ઊજવ્યો. ઉત્સવ બાદ સર્વે હરિભક્તો મહારાજની રજા લઈ પોતપોતાને ગામ જવા લાગ્યા. દર્શનાર્થી હરિભક્તોને શ્રીજીમહારાજ પૂછતા : “સત્સંગ કરવાનું સુખ આવે છે ને ? દેશકાળ સારા છે કે નહીં ?” ભક્તજનો પોતાની પરિસ્થિતિ વર્ણવતા.

વિસનગરના હરિભક્તોએ અશ્રુભીના નેત્રે જણાવ્યું કે, “મહારાજ, અમારા નગરનો સૂબો સત્સંગનો પાકો દ્વેષી છે. સત્સંગીમાત્રને ખૂબ ત્રાસ આપે છે. સત્સંગીઓ પર જૂઠા આળ નાખી ખોટી રીતે જેલમાં પૂરે છે. વગર વાંકે ધોમધખતા ઉનાળાના તાપમાં ખુલ્લા પગે ઊભા રાખે છે. આવા આવા તો કેટકેટલાય ત્રાસ આપે છે.”

પુત્ર સમાન હરિભક્તોનાં વચન સાંભળી માતૃહ્દય સમ શ્રીહરિ અતિશે દિલગીર થઈ ગયા. તેમના નેત્રોમાંથી અશ્રુનો પ્રવાહ ટપકવા લાગ્યો. શ્રીહરિને ઉદાસ જોઈ હરિભક્તોએ કહ્યું, “મહારાજ ! આપ ચિંતા ન કરશો. એ તો અમારી કસોટી થાય છે. આપ અમને બળ પ્રેરજો જેથી અમે તે સહન કરી શકીએ.” આટલું કહી હરિભક્તોએ વિદાય લીધી.

આમ, આ પ્રસંગમાં શ્રીહરિ હરિભક્તોના દુ:ખે દુ:ખી થઈ ગયા.