શ્રીહરિ ભૂજમાં સંતો-હરિભક્તો સહિત હમીર સરોવરમાં સ્નાન કરવા માટે પધાર્યા.

શ્રીહરિએ સંતો-હરિભક્તો સાથે જળક્રીડા કરી ખૂબ સુખ આપ્યાં. પછી પોતે સિદ્ધાસન વાળી જળમાં ડૂબકી મારી તળિયે બેસી ગયા.

સૌ સંતો-હરિભક્તો શ્રીહરિને શોધવા લાગ્યા. કેટલાક તરવૈયા ભક્તોએ ઊંડા જળમાં ડૂબકી મારી પણ શ્રીહરિનો પત્તો લાગ્યો નહીં. કેટલીય વાર સુધી આ રીતે શ્રીહરિને અદૃશ્ય થઈ ગયેલા જોઈ સૌ કોઈ શોકમગ્ન થઈ ગયા.

‘મહારાજ ક્યાં ગયા હશે ? જળમાં ડૂબી..., અરરર હવે આપણું શું થશે ?’

આવા વિચારો સૌ કોઈના માનસને કોરી ખાતા હતા.

એટલામાં જળની ઉપર દિવ્ય તેજનો ઊર્ધ્વ પ્રવાહ સૌએ જોયો. આ તેજ ધીરે ધીરે સર્વત્ર વ્યાપી ગયું. તે તેજમાં અનંત મુક્તોએ સહિત શ્રીહરિનાં દિવ્ય દર્શન થતાં કિનારે બેસીને વિલાપ કરતાં સૌ કોઈ આનંદમગ્ન બની ગયા. ત્યારે શ્રીહરિએ કહ્યું, “અમે પરાત્પર છીએ, સર્વોપરી અને દિવ્યાતિદિવ્ય સ્વરૂપ છીએ એટલે અમારા સ્વરૂપમાં કદી પ્રકૃતિના ભાવો પરઠવા નહીં. તમને અમારો હજુ યથાર્થ મહિમા સમજાયો નથી. જો તમને અમારા દિવ્યાતિદિવ્ય સ્વરૂપની યથાર્થ ઓળખાણ નહિ થાય તો ક્ષણે ક્ષણે અમારાં ચરિત્રો જોઈ શંકા થશે.”

આમ, શ્રીહરિએ પોતાના આશ્રિતમાત્રને પોતાના સ્વરૂપને વિષે પરભાવની દૃઢતા કરવાનો અતિશે આગ્રહ જણાવ્યો.