શ્રીહરિનું પ્રથમ કચ્છ વિચરણ હતું. તે સમયે ભૂજનગરને વિષે સુંદરજીભાઈના ઘરની બહાર ઓસરીએ શ્રીહરિ ગાડાં પર ગાદલું નખાવીને બિરાજ્યા હતા. સદ્. આત્માનંદ સ્વામીને પોતાની બાજુના ગાડામાં બેસાડ્યા અને કહ્યું, “હવે પ્રગટની વાતો કરો.”

શ્રીહરિની આજ્ઞા થતાં સદ્. આત્માનંદ સ્વામી શ્રીહરિના મહિમાની વાતો કરવા લાગ્યા. વાતોમાં શ્રીહરિની સર્વોપરી નિષ્ઠાની છાંટ પણ આવતી નહોતી. તે જોઈ શ્રીહરિએ સદ્. આત્માનંદ સ્વામી સહિત સમસ્ત સભાજનોને ઉદ્દેશીને કહ્યું, “અમારા સ્વરૂપનો યથાર્થ મહિમા જાણ્યા સિવાય કદાચ દેહ પડી જશે તો ફરી સત્સંગમાં જન્મ લેવો પડશે, પણ સર્વોપરી નિષ્ઠા દૃઢ કર્યા સિવાય અક્ષરધામની પ્રાપ્તિ નહિ થાય.”

આમ, સત્સંગના પ્રારંભકાળથી જ શ્રીહરિ સંતો આગળ સર્વોપરી ઉપાસનાની વાતો કરવાનો આગ્રહ સેવતા.