એક દિન શ્રીહરિએ સદ્. બ્રહ્માનંદસ્વામીને બેરખો માર્યો. સ્વામી ઝબકી ગયા ! અને મહારાજને પૂછ્યું, “મને કેમ બેરખો માર્યો ?” “સ્વામી, તમે ઝોલું ખાધું એટલે. નિયમ એટલે નિયમ.” શ્રીહરિ દાદાખાચરના દરબારમાં રોજ રાત્રે મોડે સુધી કથાવાર્તા કરતા અને કથા દરમ્યાન સૌ સંતો-હરિભક્તોને ખૂબ સાવધાન રાખતા. જો કોઈને ડોલું આવે તો શ્રીહરિ તેમને સોપારીનો બેરખો મારતા. જેના પર બેરખો પડ્યો હોય તેણે ઊભા થઈને તે બેરખો મહારાજને આપી આવવાનો આવો નિયમ કરેલો.

“પણ મહારાજ, હું તો આંખો મીંચીને આપનાં કીર્તન બનાવતો હતો.” શ્રીહરિ તેમની આ યુક્તિથી હસ્યા.

“સ્વામી, તો સંભળાવો ત્યારે એ કીર્તન.” 

“પણ એક શરત. હું કીર્તન બોલાવું ને સભાએ ઝીલવાનું.” મહારાજે શરત મંજૂર કરી અને સ્વામીએ કીર્તન ઉપાડ્યું.

“તારો ચટક રંગીલો છેડલો, અલબેલા રે...”

સભાજનોએ આ પંક્તિ ઝીલી ત્યાં સ્વામીએ બીજી પંક્તિની રચના કરી દીધી. શ્રીહરિ સ્વામીની શીઘ્ર કવિત્વ શક્તિથી પ્રસન્ન થઈ ગયા અને દાસત્વભાવે સ્વામીની માફી માંગી. ત્યાં તો સ્વામીએ કહ્યું, સ્વામી કહે, “મહારાજ, આ તો અમે પૂર્વાશ્રમમાં ચારણ હતા આથી તરત પંક્તિ રચી દઈએ. આપની ભૂલ ન થાય.” કરુણાનિકેતન તેમના નિષ્કપટભાવથી પ્રસન્ન થયા.