જીવનું ફદલ કરે કલ્યાણ
“હે મહારાજ ! આજે જે કોઈ આપનાં દર્શન કરે, વાત સાંભળે, પ્રસાદી જમે, અરે ! કોઈ મંદિરના પરિસરમાં આવે તેનો પણ છેલ્લો જન્મ કરજો.”
ડભોલી (સુરત) મંદિર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે ગુરુદેવ પ.પૂ. બાપજીએ વહાવેલા આશીર્વાદમાં ઘરધણી મુક્ત જીતુભાઈનાં માતુશ્રી રૂખીબાઈ આવી ગયાં.
પોતે બિનસત્સંગી હતાં. વળી, ચા-છીંકણીનાં અતિ બંધાણી હતાં. જીવનમાં કદી ભગવાનના નામની પાંચ માળા પણ નહોતી કરી. તા. 22-12-2015ના રોજ રૂખીબા સુરતથી મણિપુરા આવ્યાં. તેઓને થોડી શ્વાસની તકલીફ થવાથી દવાખાને બે દિવસ દાખલ કર્યાં. સારું લાગતાં ડૉક્ટરની રજા લઈ ઘરે આવ્યાં.
તા. 28મીએ વહેલી સવારે ત્રણ વાગ્યે રૂખીબાએ બૂમ પાડી તેમના ભાઈના દીકરાને નજીક બોલાવી કહ્યું, “જો આ સ્વામિનારાયણ ભગવાન અને જીતુના ગુરુજી મને લેવા આવ્યા છે. હું જઉં છું... જય સ્વામિનારાયણ.” કહેતાં આંખો મીંચી દીધી.
આ બાજુ રૂખીબાના ભત્રીજા પ્રકાશભાઈના ઘરનાં હંસાબેન સ્વામિનારાયણ ધામ પર AYP કેમ્પમાં લાભ લેવા આવ્યાં હતાં.
તેઓને 28મીએ સાંજે ખબર પડતાં સીધાં કડી ગયાં અને ત્યાંથી સવારે મણિપુરા જવા નીકળવાનાં હતાં. કડી મુકામે રાત્રે સાડા બાર વાગ્યે તેઓ સૂતાં કે થોડી જ વારમાં સ્વામિનારાયણ ભગવાનનાં દિવ્ય તેજોમય દર્શન થયાં અને સાથે રૂખીબા પણ હતાં.
હંસાબેને પૂછ્યું, “બા, તમે કેમ આટલાં ખુશ છો ?” ત્યારે રૂખીબાએ કહ્યું, “મને મહારાજ અને જીતુના ગુરુ તેડવા આવ્યા હતા. મને ખૂબ મૂર્તિનું સુખ આવે છે તેનો આનંદ છે.”
હંસાબેનને રૂખીબા બિનસત્સંગી હોવાથી સંશય રહેતો કે તેમનું કલ્યાણ થશે કે કેમ ? તેથી અલૈયાખાચરના જેહલાની જેમ શ્રીજીમહારાજે રૂખીબાનાં મૂર્તિના સુખમાં રાખ્યાનાં પરમાણાં આપ્યાં.