ખોપાળાના જેઠા માણિયા પર રાજીપો
ગામ ખોપાળાના જેઠા માણિયા એક વખત શ્રીજીમહારાજનાં દર્શન કરવા સૂર્ય ઊગ્યા પહેલાં આવ્યા હતા. તેવા સમયમાં ઓરડા લીંપવા માટે ચોકમાં મોટું ગારિયું નંખાવેલ હતું. તે ગારિયું ગોલવાનું (ગાળવાનું) બાકી હતું. જેથી એક સંતે જેઠા માણિયાને કહ્યું, “ભગત, આ ગારિયું ગોલવાનું છે, તે તમે ગોલી આપો.” આ ગારિયું ગોલતાં ગોલતાં સવારના ૧૦ વાગ્યા. તોપણ તેઓને કોઈએ રાખો એવું કહ્યું નહીં.
તે સમયે શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાંથી બહાર આવ્યા. શ્રીજીમહારાજનાં દર્શન થતાં જેઠા માણિયાએ ઉચ્ચ સ્વરે શ્રીજીમહારાજને કહ્યું કે, “મહારાજ, જય સ્વામિનારાયણ...” શ્રીજીમહારાજ નજીક આવ્યા ને પૂછ્યું : “ભગત, આ સેવા તમે ક્યારના કરો છો ?”
“મહારાજ, સૂર્ય નહોતો ઊગ્યો ત્યારથી...”
ભક્તનું આવું વચન સાંભળી શ્રીજીમહારાજ ખૂબ રાજી થયા અને બ્રહ્મચારીને કહ્યું કે, “ભગત માટે અમારા થાળના છ લાડુ લાવો. ભગતને જમાડવા છે.”
“પણ મહારાજ, અમે તો સ્નાન પણ કર્યું નથી. પૂજા પણ બાકી છે.” ભક્તે કહ્યું. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “તમે ઘેલામાં સ્નાન કરી, પૂજા કરીને આવો. અમારે તમને પ્રસાદી આપવી છે અને તમને મળવું છે.” તેથી જેઠા માણિયા સ્નાન-પૂજા કરી શ્રીજીમહારાજ પાસે આવ્યા. શ્રીજીમહારાજ તેમને પોતાના થાળની પ્રસાદી આપી બાથમાં લઈ ખૂબ મળ્યા અને રાજીપો આપતાં કહ્યું : “તમોએ સંતના વચને મહિમાથી સેવા કરી તે જોઈ અમે તમારી ઉપર બહુ જ રાજી થયા.”
આમ, શ્રીહરિ સંતોના વચને સેવા કરતા ભક્તો પર ખૂબ રાજી થતા.