ઉત્તમ ભક્તની સેવા કરવી એ જ ભક્તિ છે.
સંવત 1867માં એભલબાપુની ખેતીની ઊપજ વધારવા મહારાજે બળદની અઢાર જોડી કરી આપી હતી. ત્યારબાદ મહારાજ વિચરણમાં પધારેલા.
વિચરણમાંથી પરત આવીને પહેલાં જ મહારાજે એભલબાપુની ખેતીના સમાચાર પૂછ્યા. મહારાજે એભલબાપુને બોલાવી કહ્યું, “તમારી અઢારસેં વીઘા જમીન છે તે તમામ ખેડાવી નાખવી છે. માટે ત્યાં તંબુઓ, ભંડાર વગેરે તૈયાર કરાવી દ્યો. અને જગન્નાથાનંદ સ્વામીના પચાસ સાધુના મંડળને સંતો-ભક્તોની રસોઈ બનાવવા ખેતરમાં રહેવા મોકલી દીધા.
મહારાજે પણ સંતો-હરિભક્તો સાથે ખેતરમાં જ ધામા નાખ્યા. સૌ સંતો-હરિભક્તોને મહારાજે સેવામાં જોડી દીધા. બોરડીનાં જાળાં ખોદાવી જમીન સાફ કરાવી દીધી. અને જમીન ખેડાવવાનું કામ પણ શરૂ કરાવી દીધું.
મહારાજ માટે દરબારમાંથી જીવુબા-લાડુબા ત્યાં થાળ લઈ આવતા. સંતો-ભક્તો માટે ત્યાં જ ભંડાર થતા. ભેંસો માટે પણ ત્યાં જ વાડા કરાવ્યા હતા.
મહારાજ વાતો કરતાં કહેતા, “એભલબાપુએ તથા તેમના પરિવારે આપણને સર્વસ્વ સોંપી દીધું છે. આખો દરબાર આપણા માટે ખુલ્લો મૂકી દીધો છે. એવા ઉત્તમ ભક્તના કાર્યમાં આપણે સેવા કરવી તે ભક્તિ છે. આવા સેવાના પ્રસંગે માળા લઈને બેસી જવું કે ધ્યાન કરવું કે કથા-કીર્તન કરવાં તે ભક્તિ નથી.”
મહારાજના આ શબ્દોથી એભલબાપુ તથા તેમના પરિવારનો સર્વેને અપાર મહિમા સમજાયો.