ગુરુદેવ પ.પૂ. બાપજી જ્યારે સદ્. મુનિસ્વામીનો સમાગમ કરવા જતા ત્યારે “સ્વામી, અહીં આવો. એક સેવા છે.” હાથનો ઇશારો કરી સંતો ગુરુદેવ પ.પૂ. બાપજીને ઈર્ષ્યાને લીધે ભંડારમાં બોલાવતા.

એટલે મહિમાની મૂર્તિ એવા ગુરુદેવ પ.પૂ. બાપજી સદ્. મુનિસ્વામીને બે હાથ જોડી મનોમન પ્રાર્થના કરી ઊભા થતા : ‘દયાળુ, રાજી રહેજો. સંતો સેવામાં બોલાવે છે માટે જઉં છું.’

“શું કથામાં જઈને બેસી જાવ છો! આટલાં વાસણ ઘસી નાખો.” એમ કહી ગાંહડો વાસણ ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે સંતો ધોવડાવતા.

કેટલીક વાર તો ઈર્ષ્યાને લીધે તેઓ ચોખ્ખાં વાસણ પણ એઠાં કરી; ફરી એ દિવ્યપુરુષને ઘસવા આપી દેતા.

છતાંય એ દિવ્યપુરુષ સંતોની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા જ નહીં.

સેવા કરતાં કરતાં પણ તેઓ કથાનો એક શબ્દ પણ જવા ન દેતા. માત્ર એકાગ્રતાપૂર્વક કથા સાંભળવી એટલું જ નહિ, તેઓ સાંભળતાંની સાથે સાથે મનન કરતા જતા. વાત જીવ સટોસટ વણતા જતા.

વાહ, પરભાવી દિવ્યપુરુષની કથાવાર્તા સાંભળવાની કેવી અલૌકિક રીત !!!