એક સમયે જીવાખાચરે દાદાખાચરના દાણાનાં ખળાં અટકાવવા અને પોતાનાં ખળાં ઉપાડવાની મંજૂરી ભાવનગરના વજેસિંહ દરબાર પાસે લીધી.

અનાજના દાણા દરબારગઢમાં ન આવવાના કારણે સંતોએ મહારાજને જઈ પ્રાર્થના કરી, “હે મહારાજ ! હાલમાં દાણા ઉધારે લાવીને દાદાખાચરે દિવસો કાઢવા પડે છે તે કરતાં તમે આજ્ઞા આપો તો અમે સર્વે સંતો સુરત તરફ જઈએ. તેથી દાદાખાચરે દાણા ઉધારે લાવીને અમને ખવડાવવા ન પડે.”

 આ સાંભળીને શ્રીજીમહારાજે સંતોને સાખી સંભળાવી,

“દાહ જલે ડુંગર જલે, જલે સબ વનરાય;

હમ જલે તુમ કાં જલો, હમારે પાંખો નાય.

આવા દેશકાળમાં આપણે દાદાખાચરને સહાય કરવી જોઈએ પણ અહીંથી જવું ન જોઈએ.”

આ જ વાત શ્રીજીમહારાજે વચનામૃતમાં લખી જે, “દાદાખાચરને જરાક આપત્કાળ આવ્યો હતો તેમાં સર્વેનાં અંતઃકરણ જણાયાં હતાં. માટે દેશકાળ નબળો આવે ત્યારે સહાયતા કરવી પણ તેનાથી છેટે જવા મનમાં ઘાટ ન જ કરવો એ સિદ્ધાંત છે.”

આમ, શ્રીહરિએ સંતોને આપત્કાળ દરમ્યાન સહાયતારૂપી સમજણ રાખવાની વાત કરી.