ભૈયારૂપે શ્રીહરિએ રૂપરામ ઠાકરની રક્ષા કરી
વિસનગરના રૂપરામ ઠાકર એક સમયે ગોધરા ભયંકર રોગવાળા મનુષ્યને ઔષધ આપવા ગયા હતા. તે માણસ રોગથી મુક્ત થયો તેથી તેણે રૂપરામ ઠાકરને ઘણું દ્રવ્ય આપ્યું.
આ દ્રવ્ય લઈ રૂપરામ ઠાકર ઘોડા ઉપર બેસીને પોતાને ગામ જતા હતા. ગોધરાની ઝાડીના કારણે અંધારામાં તેઓ રસ્તો ભૂલ્યા. ઘોડી પણ આગળ ચાલતી નહોતી. તેથી રૂપરામ ઠાકર મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા કે, “હે પ્રભુ ! અત્યારે રક્ષા કરનારા તમો છો. હું ભૂલો પડ્યો છું. આ વનમાં વાઘ, સિંહ, રીંછ વગેરે પ્રાણીઓથી મારી રક્ષા કરો.”
અતિ દયાળુ મહારાજ ભૈયાનું રૂપ ધારણ કરી રૂપરામ ઠાકર પાસે આવ્યા. ભૈયાએ રૂપરામ ઠાકરને થોડેક આગળ લઈ જઈ ઉતારો આપ્યો ને ઘોડાને બંધાવ્યો. તેને ઘાસ આપ્યું. રૂપરામ ઠાકરને જમવા માટે મગઝ, સુખડી આપીને ઠંડું પાણી પાયું અને સૂવા માટે પલંગ પણ આપ્યો. રૂપરામ ઠાકરે ના પાડવા છતાં પણ ભૈયાએ તેમના પગ દાબ્યા. ત્યારબાદ બંને પોઢી ગયા.
સવારે ભૈયા રૂપરામને રસ્તો દેખાડી અદૃશ્ય થઈ ગયા. પછી રૂપરામ ઠાકરે આજુબાજુમાં જોયું તો ઉતારો કે ભૈયા કોઈ ન દેખાયા.
આમ, ભૈયાનું રૂપ ધારણ કરી સ્વયં શ્રીહરિએ પોતાના ભક્તોની સર્વે પ્રકારે રક્ષા કરી.