મુ.નિ. પૂ. આનંદસ્વામીની ચરણ સેવા કોણે કરી?
ઈ.સ. 2013-14માં એસ.એમ.વી.એસ. સંસ્થાના વડીલ સંત પૂ. આનંદસ્વામીના અંતિમ મંદવાડના દિવસો હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે દયાનો દરિયો અને માતૃવાત્સલ્યતાનો સાગર. જેઓ પળે પળે સંસ્થાના એક એક સંતનું જતન સ્વયં કરે અને કરાવે.
પૂ. આનંદસ્વામીના અંતિમ મંદવાડના દિવસોમાં દરરોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તેમને દર્શન આપવા પધારતા હતા. તેમના ખબરઅંતર પૂછી થોડી વાર તેમની પાસે બેસતા, કયારેક તેમની ચરણસેવા કરવાનો કે જમાડવાની સેવાનો પણ લાભ સ્વયં લેતા. એટલું જ નહિ પળે પળે પૂ. આનંદસ્વામીની સેવામાં ક્યાંય કસર રહી ન જાય તેની ચિંતા સ્વયં રાખતા.
એક દિવસ પૂ. આનંદસ્વામીની તબિયત વધારે નાદુરસ્ત હતી. ઠાકોરજીના થાળ બનાવનાર સંતોની સંખ્યા ખૂબ ઓછી હતી તેથી પૂ. સંતો સવારે ધ્યાન-ભજન, સભા આદિકના આહનિકના સમયમાં હાજર રહી ન શકે તેવા સંજોગો હતા.
પૂ. સંતો આનંદસ્વામી માટે રસોઈ બનાવવા રસોડામાં ગયા એ વખતે એક સંતને આ બાબતનો ખ્યાલ ન હોવાથી તેઓ ધ્યાન કરવા માટે પ્રાર્થના મંદિર તરફ જઈ રહ્યા હતા.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ તે સંતને બોલાવી રુચિ જણાવી કે, “સ્વામી, અત્યારે પૂ. આનંદસ્વામીની તબિયત નાદુરસ્ત છે અત્યારે સંતઆશ્રમમાં પૂ. સંતો ઓછા છે. તેમ છતાંય પૂ. આનંદસ્વામીની સેવામાં ક્યાંય કસર ન રહેવી જોઈએ તેની જવાબદારી આપણા સૌની છે માટે ખૂબ ધ્યાન રાખવું. માટે જો શક્ય હોય તો રસોડામાં રસોઈની સેવા માટે જાવ અથવા પૂ. આનંદસ્વામીની જોડે રહો તેમને સૂના ન મૂકવા. તેમની ખૂબ સેવા કરવી તેમને બિલકુલ તકલીફ ન પડવી જોઈએ. જમાડવામાં પણ પૂ. આનંદસ્વામીને વહેલું મોડું ન થાય તેની ખૂબ તકેદારી રાખવી. પૂ. સંતોની સેવા એ મહારાજની જ સેવા છે એવા મહાત્મ્યથી, મહારાજના ભાવથી સેવા કરવી.”