ઠાકોરજીની મિલકતનું જતન
તા. ૨-૮-૨૦૧૩ને શુક્રવારનો દિવસ હતો.
આ દિને ગુરુદેવ પ.પૂ. બાપજીએ સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાત: સભામાં અમૃતવાણીનો લાભ આપી સૌને ખૂબ સુખિયા કરી ગુરુકુલ બિલ્ડિંગમાં પધાર્યા હતા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ દુબઈ સત્સંગ કેન્દ્રમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિપ્રતિષ્ઠા કરવા તૈયાર કરેલ સિંહાસનનું વરદ હસ્તે પૂજન કર્યું. પોતાની કાયમી રીત અનુસાર આજે પણ તેઓ ગુરુકુલ બિલ્ડિંગની વિઝિટ માટે પધાર્યા. દરેકે દરેક રૂમનું, વસ્તુનું તેઓ બારીકાઈથી નિરીક્ષણ કરતા હતા. શાકભાજીના રૂમમાં પ્રવેશતાં જ તેમની દૃષ્ટિ બટાકાના ઢગલા પર પડી.
“સંતો-હરિભક્તો ! આટલા બધા બટાકા બહાર કેમ રાખ્યા છે ? બગડી જશે માટે તેની કંઈક યોગ્ય વ્યવસ્થા કરાવો. આપણાથી ઠાકોરજીની કોઈ વસ્તુનો બગાડ ન થાય તે સાચવવું. ઠાકોરજીના પૈસાનો દુર્વ્યય ન થવો જોઈએ. હરિભક્તોએ કરેલી સેવા ઠેઠ મહારાજ સુધી પહોંચવી જોઈએ.”
ત્યારબાદ જનરલ સ્ટોર તરફ પધાર્યા. જનરલ સ્ટોર ખુલ્લો જોઈ ફરી ટકોર કરતાં કહ્યું, “મુક્તો, આ જનરલ સ્ટોર આમ ખુલ્લો ન રખાય, એને તાળું મારવું જોઈએ.”
ક્રમશ: શાકભાજી વિભાગ, જનરલ સ્ટોર, કોઠાર વગેરે વિભાગમાં પધારી દરેક વસ્તુની સાચવણી કરવાની ઝીણામાં ઝીણી દૃષ્ટિઅને સૂઝ આપી. વાહ ! દયાળુ વાહ ! સંસ્થાના વડા સ્થાને હોવા છતાં સંસ્થાના ખૂણેખૂણે ધ્યાન આપી ઠાકોરજીની મિલકતનું કેવું જતન કરવું તેની અલૌકિક રીત શીખવનાર ગુરુદેવના ચરણોમાં કોટિ કોટિ વંદન.