માત્ર એક મુઠ્ઠી સીંગ
‘પરમાર્થી સ્વરૂપ’ અન્યની ચિંતા કરે તે જ સાધુ.
‘વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી એટલે જ કરુણાનો મહાસાગર’
તા. ૭-૬-૨૦૧૩ના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પંચમહાલ વિચરણ માટે પધાર્યા હતા. વિચરણમાં કેટલાક સમર્પિત મુક્તોને સાથે આવવાનો લાભ મળ્યો હતો. પંચમહાલના હાલોલ ખાતે રાત્રિ નિવાસ કર્યો હતો.
તા.૮-૬-૨૦૧૩ના રોજ સવારે બીજા દિવસે મંદિરની જગ્યા જોવા માટે રાજપીપળા જવાનું હતું. પાછા ફરતા મોડું થવાનું હોવાથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને ચિંતા હતી કે આ મુક્તો ભૂખ્યા થઈ જશે. તેથી સવારે બધા મુક્તોને પોતે જાતે ખૂબ તાણ કરી અલ્પાહાર પીરસી ધરાવી દીધા.
ત્યારબાદ તેઓ મંદિરની જમીન માટે રાજપીપળા પધાર્યા. બપોરે તેનું કાર્ય પૂર્ણ થયા બાદ વ્હાલા હરિકૃષ્ણ મહારાજને સીંગની પ્રસાદી ધરાવીને સૌ મુક્તોને પોતાના હસ્તે દોથો ભરીને આપી. બધા મુક્તોએ પણ ખૂબ પ્રાર્થના કરી, “દયાળુ, આપ તો ધરાવો.”
સૌ મુક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ગાડીમાં બિરાજી માત્ર એક મૂઠ્ઠી સીંગ ગ્રહણ કરી. ત્યારબાદ સેવક સંતે જળ ધરાવવા માટે આપ્યું. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જળ ન ધરાવતા જોડે રહેલા મુક્તો માટે જળ છે કે નહિ પૂછ્યું. પૂ. સંતોની વોટરબેગમાંથી જળ કાઢી ડિસ્પોઝિબલ ગ્લાસ કાઢી વારાફરતી બધા મુક્તોને જળ ધરાવવા માટે આપવા માંડ્યું.
આ દૃશ્ય જોઈ સૌ મુક્તોનું હૃદય માતૃવાત્સલ્ય પ્રેમ જોઈ અહોભાવથી ભરાઈ આવ્યું. તેઓ પોતાના સુખની ચિંતા કરતાં પોતાનાના સુખની ચિંતા પ્રથમ રાખે છે. કેવો એ દિવ્યપુરુષનો સ્નેહ કે તેમના સ્નેહની આગળ અનંત જનનીના સ્નેહ પણ ઝૂકી જાય !
આહાહા ! કેટલા માતૃવાત્સલ્યતાનાં દર્શન જોવા મળે ! કેવું પરહિતકારી સ્વરૂપ કે જેમને જમવા કરતાં જમાડવા તરફ જ વધુ દૃષ્ટિ હતી.