મૂર્તિ રૂપે વર્તે તેનાં દર્શને મોક્ષ
નિમાડ દેશમાં વિચરણ કરી સદ્. સ્વરૂપાનંદ સ્વામી મંડળે સહિત નાગડકા પધાર્યા.
નાગડકામાં સુરાખાચરના દરબારમાં લીમતરુ નીચે બિરાજેલા શ્રીહરિ એકદમ ઊભા થઈ ગયા અને દંડવત કરતા સદ્. સ્વરૂપાનંદ સ્વામીને ઊભા કરી ખૂબ પ્રેમથી ભેટ્યા.
“સ્વામી ! નિમાડ દેશમાં મનુષ્ય કેવાં છે ? કેટલાનાં કલ્યાણ કર્યાં ?” “મહારાજ ! મનુષ્ય તો ફક્ત લીંબડી કી નીચે દેખ્યા હૈ. બીજે કોઈ ઠેકાણે મનુષ્ય નથી.” (અર્થાત્ સ્વામી નિરંતર મૂર્તિ રૂપે વર્તતા તેથી સર્વત્ર શ્રીહરિનાં જ દર્શન થતાં)
તે સાંભળી શ્રીહરિ હસ્યા પરંતુ એક ભક્ત સહજતાથી બોલી ઊઠ્યા, “મહારાજ ! સ્વામીએ મનુષ્ય દીઠા નહિ તો પછી કલ્યાણ કેના કર્યાં હશે ?” શ્રીહરિએ ત્વરિત ઉત્તર કર્યો, “સાંભળો, બીજા સંતો તો મુમુક્ષુઓને વર્તમાન ધરાવી, કંઠી બંધાવી, સત્સંગી કરે ત્યારે તેમનું કલ્યાણ થાય પરંતુ આ સ્વરૂપાનંદ સ્વામીનાં તો દર્શન કરીને જ મનુષ્યનું, ઝાડ, પશુ-પંખીનું કલ્યાણ થઈ જાય છે. કારણ, સ્વામી નિરંતર અમારી મૂર્તિમાં વસે છે.”
શ્રીહરિનો સ્વામી પરનો રાજીપો કહે છે કે, “જે અમારી મૂર્તિ રૂપે વર્તે તેનાં દર્શને અનંતના મોક્ષ થાય છે.”