સભામાં બેઠેલા જીવાખાચરને જોઈ શ્રીહરિએ પૂછ્યું, “બાપુ, આમ ઉદાસ કેમ છો ?” “મહારાજ, આ કેવો વખત આવ્યો છે ? દુષ્કાળના પ્રતાપે માણસાઈ ક્યાં ચાલી ગઈ ? મહારાજ, માણસ માણસને ખાય છે. ભૂખ્યાં માબાપ બાળકને ખાઈ જાય આવો વખત છે...” જીવાખાચર વર્ણન કર્યે જતા હતા ત્યારે શ્રીહરિનાં નેત્રકમળ જળસભર થઈ ગયાં.

 “મહારાજ, અમારે ત્યાંય હવે સદાવ્રતમાં કાંઈ રહ્યું નથી.” જીવાખાચર બોલ્યા.

 “બાપુ, કોઠી ઉપરથી છાંદી (ઢાંકી) દ્યો અને સાણેથી અનાજ કાઢીને આપો. જાવ, અનાજ નહિ ખૂટવા દઈએ.” શ્રીહરિએ આશીર્વાદ આપ્યા.

“પણ પ્રભુ, કોઠીમાં અનાજ હોય તો ને ! હું જમવા બેઠો હોવ ને કોઈ માગવા આવે તો થાળી આપી દઉં છું. મહારાજ, હવે તો ઝેર ઘોળીને પીવાનો વખત આવ્યો છે. અનાજ વગર લોકો સદાવ્રતેથી પાછા ફરે છે. સદાવ્રતની ધજા ઉતારવી પડે તેમ છે.”

જીવાખાચર બોલતા હતા એ જ વખતે કારિયાણીના વસ્તાખાચર આવ્યા. તેમણે મહારાજની પૂજા કરી એક હજાર રૂપિયા ભેટ ધરી. શ્રીહરિએ તે બધી રકમ જીવાબાપુને આપી કહ્યું, “આટલી રકમમાંથી જે અનાજ આવે તે કોઠીમાં નાખી દેજો. ઉપરથી છાંદી દેજો ને સાણેથી કાઢજો, જાવ, અમે નહિ ખૂટવા દઈએ.”

આમ, અતિ દયાળુ શ્રીહરિએ જીવાખાચરની દરબાર તરીકેની આબરૂ સાચવી મુશ્કેલી દૂર કરી.