અગણોતેરા કાળમાં શ્રીહરિ કારિયાણીથી ગઢડે પધારતા હતા. તે વેળાએ વસ્તાખાચરને કહ્યું, “અમે કાલે ગઢડે જઈશું. ત્યાં ગુપ્ત રહીશું પછી કોઈ કપરા કાળે હરિભક્તની રક્ષા કરવા જઈશું. તેમની ભેગા બીજાનું ભલું થશે. તમારે ત્યાં કાઠી ભાયાતો આવે કે બીજા કોઈ કાઠીઓ આવે તો તેમને રાખજો. અનાજ આપજો અને કાળ પસાર કરાવી દેજો.”

“મહારાજ ! ભાયાતો આવે કે સત્સંગી કાઠી હરિભક્તો આવે તેમને તો દાણા આપીશું પણ બીજા બધા કાઠીઓનું તો કેમ પોષણ થાય ?”

ત્યારે શ્રીહરિએ તરત કહ્યું, “વસ્તાખાચર ! બીજાને નહિ પોષો તો ચોરી કરશે, લૂંટ કરશે. જ્યાં અનાજના ભંડાર પડ્યા હશે, સદાવ્રતો ચાલતા હશે તે બધું લૂંટી જશે. કાઠિયાવાડમાં માંડ ચોરી કરતા અટકાવ્યા છે; માટે તમે અનાજ આપજો. તમારી કોઠીના દાણા ખૂટશે નહીં.”

વસ્તાખાચર સમજી ગયા કે ગમે તેમ કરીને શ્રીહરિ સૌને ધર્મની દૃઢતા રખાવવા ઇચ્છે છે.