“નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી...”

શ્રીજીમહારાજ મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન આપતા ત્યારે પોતાના સંતો-ભક્તોને લાડ લડાવતા, તેમના મનોરથ પૂર્ણ કરતા એવો અનુભવ આજે સમર્પિત મુક્તોને થયો હતો.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે પંચમહાલ વિચરણમાં પધાર્યા હતા. સમર્પિત મુક્તોને પણ સાથે રહેવાનો લાભ મળ્યો હતો. વિચરણ દરમ્યાન એક દિવસ રસ્તામાં ગાડી ઊભી રાખી. થોડો વિશ્રામ કરવાનો હતો. આ દરમ્યાન પૂ. સંતો સમર્પિત મુક્તો માટે સૂકામેવા અને સાકરની પ્રસાદી લાવ્યા હતા. તે વ્હાલા હરિકૃષ્ણ મહારાજને ધરાવી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને સમર્પિત મુક્તોને સ્વહસ્તે પ્રસાદી આપવા પ્રાર્થના કરી.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ અતિ વ્હાલભર્યો સાદ પાડ્યો કે, ચાલો પ્રસાદી લેવા. ‘મા’નો સાદ સાંભળી બાળક દોડતું આવે તેમ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો સાદ સાંભળી સમર્પિત મુક્તો પ્રસાદી લેવા આવ્યા. ખોબો ધરી ઊભા રહ્યા.

“ખોબો નહીં...” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બોલ્યા. “તો ?” સમર્પિત મુક્તોએ આશ્ચર્યવત્ પૂછ્યું. “તમારા ઝભ્ભાનું ખીસું પહોળું કરો.” આટલું સાંભળતા સૌ મુક્તોના મુખારવિંદ પર હાસ્યનું મોજું ફરી વળ્યું. પ.પૂ. સ્વામીશ્રીએ સમર્પિત મુક્તોને ભૂતકાળની સ્મૃતિ કરાવતાં કહ્યું, “તમે નાના હતા ત્યારે પ્રસાદી ખિસ્સામાં ભરી પછી થોડી થોડી કાઢીને જમતા. તેમ અત્યારે આ પ્રસાદી ખિસ્સામાં ભરી લો. પછી બધાએ ગાડીમાં બેસી ખિસ્સામાંથી કાઢીને જમવાંની હોં ને...” સમર્પિત મુક્તો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સ્નેહમાં ભીંજાઈ ગયા.