“તમે ગામમાં જાઓ તો દેવશંકર ને કૃષ્ણજીને કહેજો કે તમારાં વ્હાલાં સગાં આવ્યાં છે તે તળાવની પાળે તમારી રાહ જોઈને બેઠા છે.” દેવશંકર ને કૃષ્ણજીને આ ખબર મળ્યા, વિચાર કર્યો, ‘આપણાં વ્હાલાં સગાં તો મહારાજ છે; એ તો પધાર્યા નહિ હોય ને !’

એમ વિચારી બંને દોડ્યા. મહાપ્રભુનાં નવલાં દર્શનથી થોડી વાર ઓળખ્યા નહીં. “મહારાજ, તમે ? અટાણે અહીં આમ એકલા કેમ ?” બંને વિપ્રોએ પૂછ્યું,

“હા, આ ટાણે એકલા અહીં તમારી ભાળ કાઢવા આવ્યા છીએ. અમે આ કપરા કાળમાં અમારા ભક્તોની રક્ષા કાજે વિચરીએ છીએ.” આ સાંભળી બંને વિપ્રો રડી પડ્યા, “મહારાજ, આપ સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છો. અમારા જેવા નાના ભક્તો માટે આટલું કષ્ટ વેઠ્યું !! તમે કોઈ ખેપિયો મોકલી દીધો હોત તો...”

વાત અધવચ્ચેથી ઉપાડતાં શ્રીહરિ બોલ્યા, “મારા ભક્તોના સુખ-દુ:ખના સમાચાર હું ખેપિયા દ્વારા મગાવું ! મારા ભક્તોને આ કઠણ કાળમાં મારા સિવાય કોઈ આશરો નથી. તમે બધા અખંડ મારું ભજન કરો ને હું કેવી રીતે ઢોલિયામાં પોઢી રહું ? તમારી પ્રાર્થના સાંભળી કષ્ટ નિવારવા મારે જાતે આવવું પડે તો જ મને શાતા વળે.”

શ્રીહરિની કરુણામય ભક્તવત્સલતાનાં દર્શન કરી બંને વિપ્રો ગદ્ગદિત થઈ ગયા. વાહ... દયાળુ, વાહ... આપ કેવા ભક્તવત્સલ છો !!!