સમય પહેલા ચાલે તે ગુરુદેવ બાપજી
ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે સમયપાલનના અતિશે આગ્રહી ! એમાંય કથાવાર્તાનો સમય તો તેઓ અચૂક સાચવી લે.
તેઓના કૃપાપાત્ર સંતો-હરિભક્તોનું આ સ્ટેટમેન્ટ કાયમ રહ્યું છે કે, “ઘડિયાળ પોતાનો સમય બતાવવામાં કદાચ મોડી પડે પરંતુ ગુરુદેવ પ.પૂ. બાપજી કથામાં એક મિનિટ પણ મોડા ન પડે. સમય પહેલાં ચાલે તે ગુરુદેવ પ.પૂ. બાપજી.” કથાવાર્તામાં પોતે તો કાયમ વહેલા જ હોય પરંતુ કોઈ હરિભક્ત મોડા આવે કે ન આવ્યા હોય તો તરત જ નારાજગીના ભાવ દર્શાવે.
ઈ.સ. ૨૦૧૩માં વાસણા ખાતે શુક્રવારના રોજ ગુરુદેવ પ.પૂ.બાપજી કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. ઘણી વાર સુધી એક ભગત કથામાં ન દેખાતાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ પૂછ્યું, “પેલા ભગત કેમ દેખાતા નથી ? ક્યાં ગયા છે ?”
કોઈક હરિભક્તે કહ્યું, “બાપજી, એ ભગતજી તો સ્નાન કરવા ગયા છે.”
આ સાંભળી ગુરુદેવ પ.પૂ. બાપજી દુઃખી વદને બોલ્યા, “કથાના સમયે જ ન્હાવા જવાનું સૂઝે છે ? ખબર જ હતી તો કંઈક સેટિંગ કરવું જોઈએ. થોડા વહેલા ન્હાવા જતું રહેવું જોઈએ. કથાના સમયે અમારે ન્હાવા જવું હોય તો અમે જતા નથી. કથાનો એક શબ્દ જતો રહે તો અરેરાટી થવી જોઈએ. ખપ હોય તો આવું થાય.”
આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીએ કથામાં સમયસર આવવાનો આગ્રહ દર્શાવ્યો. જેનાથી તેઓના સમયપાલનના અંગનું સહેજે દર્શન થઈ આવે છે.