આ કપરા કાળમાં ગામના દરબાર કાકાભાઈ ને પૂજાભાઈનું કેમ ચાલે છે?” શ્રીહરિએ મેથાણના દેવશંકરને પૂછ્યું. ત્યારે દેવશંકર ભગત બોલ્યા, “મહારાજ ! દરબારમાં તો બધાય અન્ન વિના ટળવળે છે. કોણ જાણે કેટલાય ઉપવાસ થયા હશે! પણ દરબાર રહ્યા તેથી બહાર હાથ લાંબો થાય નહીં.”

શ્રીહરિએ દુ:ખી વદને કહ્યું, “અમે બંનેને કહ્યું હતું કે ઘરવખરી, ઢોર-ઢાંખર વેચીને અનાજનો સંગ્રહ કરજો. પણ અમારા વચનમાં વિશ્વાસ ન આવ્યો ને પેલા મૂળજી શેઠે કહ્યું તો મનાઈ ગયું. જાઓ બેય દરબારોને રાત્રે અહીં બોલાવો.”

શ્રીહરિનો સંદેશો સુણી કાકાભાઈ તથા પૂજાભાઈ શ્રીહરિનાં દર્શને આવ્યા. શ્રીહરિનાં દર્શન કરી ધ્રુસકે ધ્રુસકે રડતા, આંસુથી શ્રીહરિના ચરણ પખાળ્યા.

શ્રીહરિએ સાંત્વના આપી કહ્યું,  “અમે તો તમને અગાઉથી કહ્યું હતું પણ તમે અમારું માન્યા નહિ એટલે દુ:ખ આવ્યું; પણ હવે બધું કષ્ટ મટી જશે.”

એમ કહી દેવશંકર અને કૃષ્ણજીને કહ્યું, “આવતી કાલે તમે ભિક્ષા લેવા જજો અને તેમાં જે સામગ્રી આવે તે દરબારોને આપી દેજો.”

આમ, મહારાજે નિજ ભક્તોની કાયમ રક્ષા કરી છે.