ઉપર જવાની તકલીફ ન અપાય.
તા.૬,૭,૮ નવેમ્બર, ૨૦૧૩. આ ત્રિ-દિનાત્મક જ્ઞાનસત્ર વાસણા ખાતે ભવ્યતાથી ઊજવાયો હતો.
તા. ૭-૧૧-૨૦૧૩ એટલે જ્ઞાનસત્રનો દ્વિતીય દિન.
મધ્યાહ્ન કથાવાર્તાનો લાભ આપી ગુરુદેવ પ.પૂ. બાપજી સભાહોલ માંથી સંત આશ્રમમાં પધારી રહ્યા હતા. રસ્તામાં એમની દૃષ્ટિએક હરિભક્ત પર પડી જેઓ લંગડાતા પગે ચાલી રહ્યા હતા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ સેવક સંતને વ્હિલચેર ઊભી રાખવા કહ્યું. એ હરિભક્ત સામે જોઈ ગુરુદેવ પ.પૂ. બાપજી કરુણા નજરે બોલ્યા, “ભગત, તમને ચરણે કાંઈ તકલીફ થઈ લાગે છે કે શું ?”
“હા બાપજી, જરા વાગ્યું છે તે પગ સરખો મંડાતો નથી. આપ ચિંતા ના કરશો. ધીમા ધીમા ડગે ઉપર ભોજનશાળામાં જમાડવા પહોંચી જઈશ.”
“અરે ના ભગત, તમે અહીં જ ખુરશી નાખી બેસો. આવી હાલતમાં તમે આટલી સીડી ક્યાં ચડી શકશો ?” કહેતાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ જોડે રહેલા સેવક સંતને આજ્ઞા કરી કે, “સ્વામી, આ હરિભક્ત માટે જમવાની વ્યવસ્થા અહીં નીચે જ કરાવો. એમને ઉપર જવાની તકલીફ ન અપાય.”
ગુરુદેવ પ.પૂ. બાપજીના દયાળુ સ્વભાવને માતૃવાત્સલ્ય પ્રેમને નિહાળી તે હરિભક્તનું હૃદય હર્ષથી રડી પડ્યું. અરે ! આટલા બધા હરિભક્તોમાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ મને પોતાનો જાણી મારા જેવા નાના હરિભક્તની કેટલી ચિંતા રાખી !