પંચમહાલ જિલ્લાના રામાભાઈ માનાભાઈ બારિયા સત્સંગી ન હતા. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ જ વિરોધી ને ગુરુદેવ પ.પૂ. બાપજીનો પણ સંપૂર્ણ અભાવ.

તેઓ મુંબઈ એરપોર્ટ પર નોકરી કરતા. એક દી અચાનક તેઓ બીમારીમાં સપડાયા.

તેથી મુંબઈની મોટામાં મોટી હૉસ્પિટલમાં તેઓને ઍડમિટ કરવામાં આવ્યા. પણ બીમારી એટલી ભયંકર હતી કે હૉસ્પિટલના મોટામાં મોટા નામાંકિત ડૉક્ટરોએ પણ આ કેસમાંથી પોતાના હાથ ઊંચા કરી દીધા.

રામાભાઈને ઑક્સિજન પર રાખ્યા હતા. તેઓના સંબંધીઓમાં એક આપણા સત્સંગી. તેઓને આ રામાભાઈની હાલત જોઈ ગુરુદેવ પ.પૂ. બાપજી યાદ આવ્યા. ને તેમણે ગુરુદેવ પ.પૂ. બાપજીને ફોન કરી, રામાભાઈની જીવનરક્ષા માટે દીનભાવે પ્રાર્થના કરી.

ત્યાં તો ‘સાગર જેવાં દિલડાં જેનાં...’ એવા એ દિવ્યપુરુષ બોલ્યા, “કશું જ નહિ થાય, ચિંતા ન કરશો. મહારાજ બધાં જ સારાં વાનાં કરી દેશે. તમે આપણા કાંદીવલી મંદિરથી મહારાજની પ્રસાદી અને કંઠી મેળવી લો. ને પછી રામાભાઈને મહારાજની અભયવર આપતી વરમાળા કહેતાં કંઠી પહેરાવી દેજો ને થોડી પ્રસાદી આપજો. અમે અહીં ઠાકોરજીને એમની રક્ષા માટે પ્રાર્થના કરીશું.”

ત્યારબાદ ગુરુદેવ પ.પૂ. બાપજીએ આપેલ રક્ષાવચન મુજબ પેલા સત્સંગીભાઈ મંદિરમાં જઈ કંઠી ને પ્રસાદી લઈ જેવા તે હૉસ્પિટલમાં પ્રવેશ્યા ત્યાં તો રામાભાઈનો પચાસ ટકા રોગ આપોઆપ મટી ગયો.

પછી કંઠી પહેરાવી ને પ્રસાદી આપી ત્યાં પેલા ભાઈ બે-ત્રણ દિવસમાં સાવ સાજા-સારા થઈ ગયા. પછી તો રામાભાઈ ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન માટે વાસણા મંદિરે આવ્યા ને એ દિવ્યપુરુષના ચરણોમાં ઢળી પડ્યા ને અગાઉ થયેલા ગુરુદેવ પ.પૂ. બાપજીના અપરાધ અંગે ક્ષમા પણ યાચી.

આમ, જીવોની અવળાઈ ન જોઈ, કેવળ કરુણા કરનાર ગુરુદેવ પ.પૂ. બાપજીને કોટિ કોટિ વંદન...