શ્રીહરિ દાદાના રખેવાળ
એભલબાપુ ધામમાં જતાં માંડવધારના જેઠો અને મેરામણ ગોવાળિયાએ માંડવધાર ગામ પડાવી લેવાની પેરવી (ષડ્યંત્ર) ગોઠવી. શ્રીહરિને આ વાત જાણમાં આવી. દાદાખાચરની તમામ ચિંતા શ્રીહરિએ પોતાના શિરે લઈ લીધેલી. તેથી શ્રીહરિએ રાત્રે નાજા જોગિયાને કહ્યું, “ગાડું તૈયાર કરો આપણે માંડવધાર જવું છે.”
ગાડું માંડવધારની સીમમાં પહોંચ્યું. શ્રીહરિએ ગાડું ગોવાળિયાના વાસ તરફ વાળ્યું. મહારાજે વાડામાં થઈ તેના ફળિયામાં આવી ગાડા પરથી મોટો પથ્થર ઓરડાનાં છાપરાં ઉપર ફેંક્યો.
જેઠો ને મેરામણ ગોવાળિયો તથા બાઈઓ એકદમ જાગી ગયાં. શ્રીહરિએ હાકલ મારી : “જેઠા... મેરામણ ! ક્યાં ગયા ? આવો, તમારે સ્વામિનારાયણને પકડવા છે ને ?” એમ કહી હાથમાં તલવાર લઈને શ્રીહરિ હવામાં વીંઝવા લાગ્યા. જાણે હમણાં શ્રીહરિની તલવારથી સાજા બ્રહ્માંડના બે કટકા થઈ જશે. આ જોઈ અતિ શૂરવીર એવા બંને ગોવાળિયાએ જાણ્યું કે, સ્વામિનારાયણ કાઠીઓનું લશ્કર લઈને આવ્યા લાગે છે. ત્યાં શ્રીહરિએ તરત કહ્યું, “તમે દાદાની ઊપજ ખાવ છો તે બહુ ભારે પડશે. એ એમની ઊપજ નથી. સ્વયં ભગવાનની ઊપજ છે. અમે તમને છોડીશું નહીં.”
શ્રીહરિની ત્રાડ સાંભળી બંને ગોવાળિયા ગામ છોડી ભાગી ગયા.
આમ, વચનામૃત ગ.પ્ર. 74માં કહેલા આ આપત્કાળમાં શ્રીહરિએ પોતાના ખરા ભક્ત એવા દાદાખાચરની રક્ષા કરી.